Mehsana News: મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરાશે, 6થી 18 વર્ષના બાળકોની થશે ઓળખ


ડ્રોપઆઉટ બાળકોને શોધવા માટે સઘન સર્વે કરાશે
Mehsana News: મહેસાણા જિલ્લામાં 16 ડિસેમ્બર સુધી ડ્રોપઆઉટ બાળકોનો સર્વે કરાશે, 6થી 18 વર્ષના બાળકોની થશે ઓળખ


ડ્રોપઆઉટ બાળકોને શોધવા માટે સઘન સર્વે કરાશે
Mehsana News: જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ સાથે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં આગામી 16 ડિસેમ્બર સુધી શાળા બહારનાં એટલે કે ડ્રોપઆઉટ બાળકોને શોધવા માટે સઘન સર્વે કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 6થી 18 વર્ષની વયજૂથનાં બાળકોની ઓળખ કરીને તેમને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
દિવ્યાંગ બાળકોને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા માટે વિશેષ પ્રાથમિકતા
મહેસાણા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન એવા બાળકોની વિગતો એકત્ર કરવામાં આવશે, જેઓ કોઈ કારણોસર શાળાએ જતા નથી અથવા અધવચ્ચે અભ્યાસ છોડી ચૂક્યા છે. ખાસ કરીને દિવ્યાંગ બાળકોને પણ શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા માટે વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી
આ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રાથમિક શાળાઓ, સીઆરસી (CRC) કોઓર્ડિનેટર, બીઆરસી (BRC) ભવન, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અને એઇઆઇ (AEI) સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. સમગ્ર ટીમ દ્વારા મિશન મોડમાં ઘરે-ઘરે અને વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને શાળા બહારનાં બાળકોની ઓળખ કરવામાં આવશે.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જિલ્લાના નાગરિકોને પણ અપીલ કરી છે કે તેમની આસપાસ કોઈ બાળક શાળાએ જતું ન હોય અથવા શિક્ષણથી વંચિત હોય તો તેની જાણ તાત્કાલિક નજીકની પ્રાથમિક શાળા અથવા બીઆરસી ભવનમાં કરવામાં આવે. આ ઉપરાંત સીઆરસી કોઓર્ડિનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને એઈઆઈનો પણ સંપર્ક કરી શકાશે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ તમામ બાળકોનું શાળામાં પ્રવેશ અને શિક્ષણ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે.




