IGBC Green Schools Program 2026: ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને રાષ્ટ્રીય સન્માન, રૂપિયા 7 લાખની ગ્રાન્ટ મળી

IGBC Green Schools Program 2026: ગુજરાતની વડોદરા, નવસારી અને આણંદ જિલ્લાની ત્રણ સરકારી શાળાઓએ IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામ-2026માં રાષ્ટ્રીય સન્માન સાથે રૂ.7 લાખની ગ્રાન્ટ મેળવી.
Kunjan Shukal
Kunjan Shukal
પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યુંપ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું

પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું

IGBC Green Schools Program 2026: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓએ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 'IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામ-2026'માં ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓએ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દેશભરની 700થી વધુ શાળાઓમાંથી પસંદગી પામેલી ગુજરાતની આ ત્રણ શાળાઓને કુલ રૂપિયા 7 લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે.

શાળાને રૂપિયા 2.75 લાખની ગ્રાન્ટ એનાયત કરવામાં આવી

મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત 'IGBC ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ-2026'ના ઉદ્ઘાટન સત્રમાં આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. '3W - Water, Waste and Well-being' થીમ પર આધારિત આ સ્પર્ધામાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની PM શ્રી રાજપુરા પ્રાથમિક શાળાએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે. શાળાને રૂપિયા 2.75 લાખની ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાએ ચતુર્થ ક્રમ મેળવી રૂપિયા 2.25 લાખની ગ્રાન્ટ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની PM શ્રી પોરડા પ્રાથમિક શાળાને વિશેષ સન્માન સાથે રૂપિયા 2 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે.

ગુજરાતની શાળાઓએ સતત સાતમા વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

આ સ્પર્ધામાં શાળાઓએ જળ સંરક્ષણ, કચરાના યોગ્ય વ્યવસ્થાપન અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય તથા સુખાકારીને લગતા નવીન વિચારો રજૂ કર્યા હતા. દરેક શાળામાંથી ધોરણ 7થી 9ના ત્રણ વિદ્યાર્થીઓ અને એક માર્ગદર્શક શિક્ષકની ટીમે ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામમાં ગુજરાતની શાળાઓએ સતત સાતમા વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિત રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના પ્રોત્સાહનથી પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવ સમાન છે.

આ પણ વાંચો: Surat News: ભાજપના ‘સેવા દૂત અભિયાન’ને લઈને દક્ષિણ ઝોનની કાર્યશાળા યોજાઈ, 182 બેઠક પર થશે જનસંપર્ક