Kutch News: લાકડિયામાં અસામાજિક તત્વનો આતંક, દારૂ પીધેલી હાલતમાં ધોકા અને હથિયાર સાથે જાહેરમાં ધમાલ મચાવી

Kutch News: કચ્છ જિલ્લાના લાકડિયા વિસ્તારમાં એક અસામાજિક તત્વના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Kutch NewsKutch News

Kutch News

Kutch News: કચ્છ જિલ્લાના લાકડિયા વિસ્તારમાં એક અસામાજિક તત્વના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દારૂ પીધેલી હાલતમાં ધોકા અને હથિયાર સાથે જાહેરમાં ધમાલ મચાવી લોકોને પરેશાન કરતા શખ્સ સામે પોલીસ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઊઠ્યા છે. એટલું જ નહીં, પોલીસને ફરિયાદ કરનાર વ્યક્તિના ઘરે પહોંચી બીજા દિવસે ધમકી આપવાની અને CCTV કેમેરામાં તોડફોડ કરવાની ઘટના પણ સામે આવી છે.

દારૂના નશામાં ધમાલ મચાવનાર શખ્સ ફરિયાદ કરનાર વ્યક્તિના ઘરે પહોંચી ગયો

મળતી માહિતી મુજબ, લાકડિયા વિસ્તારમાં એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં ધોકા અને હથિયાર સાથે ફરી રહ્યો હતો અને સ્થાનિક લોકોને પરેશાન કરી રહ્યો હતો. શખ્સની હરકતોથી પરેશાન થઈ સ્થાનિકોએ ઇમરજન્સી સેવા 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, 112ની ટીમે આ અંગે લાકડિયા પોલીસને જાણ કરી હોવા છતાં આરોપી સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ દરમિયાન બીજા જ દિવસે દારૂના નશામાં ધમાલ મચાવનાર શખ્સ ફરિયાદ કરનાર વ્યક્તિના ઘરે પહોંચી ગયો હતો અને તેને ધમકી આપી હતી. આટલું જ નહીં, ફરિયાદીના ઘરની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે ફરિયાદી પરિવાર સહિત આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?

સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે 112 પર જાણ કર્યા બાદ પણ જો અસામાજિક તત્વો સામે સમયસર કાર્યવાહી કરવામાં ન આવે તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? પોલીસને જાણ કરવા છતાં આરોપીની હિંમત વધતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. હાલ સ્થાનિક લોકોએ લાકડિયા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા લોકો ભયમુક્ત વાતાવરણમાં રહી શકે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Aravalli News: રોડના કામમાં વપરાતી સિમેન્ટની 150થી વધુ બેગ પથ્થર બની! સરકારી ગ્રાન્ટના ઉપયોગ સામે ઊઠ્યા સવાલો