Aravalli News: રોડના કામમાં વપરાતી સિમેન્ટની 150થી વધુ બેગ પથ્થર બની! સરકારી ગ્રાન્ટના ઉપયોગ સામે ઊઠ્યા સવાલો


Aravalli News
Aravalli News: રોડના કામમાં વપરાતી સિમેન્ટની 150થી વધુ બેગ પથ્થર બની! સરકારી ગ્રાન્ટના ઉપયોગ સામે ઊઠ્યા સવાલો


Aravalli News
Aravalli News: અરવલ્લી જિલ્લામાં સરકારી રોડ-રસ્તાના બાંધકામમાં વપરાતા મટિરિયલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. RCC કામ, ગરનાળા અને ડીપ બ્રિજના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સિમેન્ટની 150થી વધુ બેગ પથ્થર જેવી બની ગઈ હોવાના દ્રશ્યો સામે આવતાં સમગ્ર મામલે ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ, ટિંટોઈથી શણગાલ તરફ જતા માર્ગ પર ટિંટોઈ નજીક મોટી સંખ્યામાં સિમેન્ટની બેગ બિનવારસી હાલતમાં જોવા મળી હતી. સ્થળ પર પડેલી સિમેન્ટની 150થી વધુ બેગ કઠણ થઈને પથ્થર જેવી બની ગઈ હોવાનું સામે આવ્યું છે.
કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટની બેગો બાંધકામ સ્થળ પર જ છોડી દેવામાં આવી?
આ સિમેન્ટનો ઉપયોગ RCC કામ, ગરનાળા અને ડીપ બ્રિજના બાંધકામમાં થવાનો હતો કે પછી તેનો ઉપયોગ કર્યા વિના જ સ્થળ પર છોડી દેવામાં આવ્યો છે તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટની બેગો બાંધકામ સ્થળ પર જ છોડી દેવામાં આવી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે સરકારી ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલો સિમેન્ટ બાંધકામમાં વપરાયો હતો કે પછી યોગ્ય જાળવણીના અભાવે બગડી ગયો છે?
જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે કેમ?
રસ્તાના બાંધકામ દરમિયાન વપરાતા મટિરિયલની ગુણવત્તા અને જથ્થાની ચકાસણી કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓની હોય છે. તેમ છતાં 150થી વધુ સિમેન્ટની બેગ બગડી જાય ત્યાં સુધી SO સહિતના જવાબદાર અધિકારીઓનું ધ્યાન કેમ ન ગયું તેવો પ્રશ્ન પણ ઊઠી રહ્યો છે. જો સિમેન્ટનો યોગ્ય ઉપયોગ થયો ન હોય તો સરકારી નાણાંનો હિસાબ કોણ આપશે? બાંધકામમાં જરૂરી પ્રમાણમાં સિમેન્ટ વપરાયો છે કે નહીં તેની તપાસ કોણ કરશે? જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે કેમ? હાલ આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માગ ઊઠી રહી છે. સરકારી ગ્રાન્ટના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.




