Kheda : ઠાસરા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી, મુખ્ય માર્ગો પર 3 દિવસથી પાણી ભરાતા લોકો પરેશાન


Kheda
Kheda : ઠાસરા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી, મુખ્ય માર્ગો પર 3 દિવસથી પાણી ભરાતા લોકો પરેશાન


Kheda
Kheda : ખેડા જિલ્લાના ઠાસરા શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ રાખવાની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ ઠાસરાના મુખ્ય માર્ગો પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાઈ રહેતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જાહેર માર્ગો પર પાણી ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાણીને કારણે અવરજવર કરવામાં પણ મુશ્કેલી સર્જાઈ
મળતી માહિતી મુજબ, ઠાસરા શહેરના પ્રેમજી ફળિયામાં બોરની કામગીરી દરમિયાન જાહેર માર્ગ પર મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આ માર્ગ પરથી પસાર થતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપારીઓ, બહારગામથી આવતા નાગરિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા પર ભરાયેલા પાણીને કારણે અવરજવર કરવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. વેપારીઓના ધંધા પર પણ તેની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
શું કહ્યું નગરપાલિકાના પૂર્વ પ્રમુખે?
સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું છે કે સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવનારા એકમો સામે પાલિકા દંડાત્મક કાર્યવાહી કરે છે, પરંતુ બીજી તરફ પાલિકાની પોતાની કામગીરીને કારણે જ જાહેર માર્ગ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ મામલે ઠાસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિ કૃણાલ શાહે પણ પાલિકાની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિક નાગરિકોની માગ છે કે નગરપાલિકા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને જાહેર માર્ગો પર સર્જાયેલી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા આ સમસ્યાના નિરાકરણ માટે ક્યારે કાર્યવાહી કરે છે.
આ પણ વાંચો : Khedaના કપડવંજના ફતિયાબાદ પાસે નર્મદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ, શોધખોળ શરૂ




