Get News Alerts

Never miss breaking news updates.

Nadiyad : રેલવે સ્ટેશન પરથી 3.70 કરોડના સોનાની લૂંટનો કેસ, પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

Nadiyad : ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર ફિલ્મી ઢબે કરોડો રૂપિયાના સોનાની લૂંટની ઘટના સામે આવી છે. કોલકાતાથી અમદાવાદ સોનું લઈને આવી રહેલા એક કર્મચારીને ચાર શખ્સોએ નિશાન બનાવી
Kunjan ShuklaUpdated on: 04 Oct 2026 02:13 PM IST
Nadiyad : રેલવે સ્ટેશન પરથી 3.70 કરોડના સોનાની લૂંટનો કેસ, પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યાNadiyad : રેલવે સ્ટેશન પરથી 3.70 કરોડના સોનાની લૂંટનો કેસ, પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

nadiyad

Nadiyad : ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર ફિલ્મી ઢબે કરોડો રૂપિયાના સોનાની લૂંટની ઘટના સામે આવી છે. કોલકાતાથી અમદાવાદ સોનું લઈને આવી રહેલા એક કર્મચારીને ચાર શખ્સોએ નિશાન બનાવી ₹3.70 કરોડથી વધુ કિંમતનું સોનું લૂંટી લીધું હતું. જોકે, પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આશરે ચાર કરોડ રૂપિયાનો મુદ્દામાલ અને બે વાહનો પણ કબજે કર્યા છે.

આરોપીઓ બે અલગ-અલગ કારમાં ફરાર થયા હતા

મળતી માહિતી મુજબ, ભરતભાઈ ચૌધરી કંપનીના કામ અર્થે કોલકાતા ગયા હતા. ત્યાંની બ્રાન્ચમાંથી તેમને સોનાની ચેનોના રોલ ભરેલા ત્રણ બોક્સ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ 1 ઓક્ટોબરના રોજ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સોનું લઈને અમદાવાદ આવવા નીકળ્યા હતા. 3 ઓક્ટોબરની સાંજે નડિયાદ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર ચાર શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ ગળેથી પકડી ધમકી આપી તેમની પાસેથી સોનાના ત્રણ બોક્સ ભરેલી ગ્રીન બેગ ઝૂંટવી લીધી હતી. લૂંટાયેલા સોનાનું વજન 2 કિલો 710 ગ્રામ 500 મિલિગ્રામ અને કિંમત ₹3,70,30,851 હોવાનું સામે આવ્યું છે. આ લૂંટમાં અગાઉ ભરતભાઈ સાથે કામ કરી ચૂકેલો સાવન ચૌધરી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બે અલગ-અલગ કારમાં ફરાર થયા હતા. જોકે, ભરતભાઈએ એક કારનો મોબાઈલથી ફોટો પાડી લીધો હતો, જે પોલીસ માટે મહત્વની કડી સાબિત થયો હતો.

પોલીસે ત્રણ આરોપીઓને ઘટનાસ્થળેથી ઝડપી લીધા

ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, ખેડા જિલ્લા પોલીસ અને સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા સંકલન કરીને નાકાબંધી કરવામાં આવી હતી. આરોપીઓ નાકાબંધી પાર કરીને ખોરજ તરફ પહોંચ્યા હતા. આ દરમિયાન વિરમગામ પોલીસને નંબર પ્લેટ વગરની કાર અંગે માહિતી મળતાં ખોરજ નજીક વાહન અટકાવવામાં આવ્યું હતું. પોલીસ સાથેની ટક્કર દરમિયાન પીઆઈ ગઢવીએ હિંમતપૂર્વક કારમાં પ્રવેશીને સ્ટિયરિંગ અને હેન્ડબ્રેકનો કાબૂ મેળવી લીધો હતો. પોલીસે ત્રણ આરોપીઓને ઘટનાસ્થળેથી ઝડપી લીધા હતા, જ્યારે ફરાર થયેલા ચોથા આરોપીને પણ મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. હવે પોલીસ તપાસમાં સૌથી મોટો સવાલ એ છે કે સાવનને કરોડો રૂપિયાના સોનાની માહિતી ક્યાંથી મળી? શું લૂંટનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું કે પછી આ પાછળ કોઈ મોટું લૂંટનું નેટવર્ક સક્રિય છે? આ તમામ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Kutch News : ભુજની પાલારા જેલમાં કેદીઓ વચ્ચે મારામારી, હત્યાના આરોપીએ અન્ય કેદી પર કર્યો હુમલો

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.