Kheda News: આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં મેગા ડિમોલિશન, 43 જેટલી દુકાનોના દબાણો દૂર કરાશે

Kheda News: ખેડાના આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં 15 વર્ષ જૂનાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. 43 જેટલી કાચી દુકાનોના દબાણો હટાવાશે.
Kunjan Shukal
Kunjan Shukal
આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં મેગા ડિમોલિશનઆતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં મેગા ડિમોલિશન

આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં મેગા ડિમોલિશન

Kheda News: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં લાંબા સમયથી થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આતરસુંબા ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી આશરે 43 જેટલી કાચી દુકાનોના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી કાચી દુકાનો અને અન્ય બાંધકામો દ્વારા દબાણો કરવામાં આવ્યાં હતાં. આ દબાણોને કારણે જાહેર જગ્યાના ઉપયોગ અને અવરજવરને લઈને સમસ્યાઓ ઊભી થતી હોવાની બાબત સામે આવી હતી. આથી ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

PSI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

દબાણકર્તાઓને અગાઉ આતરસુંબા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. નોટિસની કાર્યવાહી બાદ હવે તંત્ર દ્વારા સ્થળ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી મશીનની મદદથી ગેરકાયદેસર દુકાનો અને અન્ય દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસના PSI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સમયમાં બાકીના દબાણો પણ તબક્કાવાર દૂર કરાશે

કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક સાથે 43 જેટલી કાચી દુકાનના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે. લાંબા સમયથી થયેલા દબાણો સામે તંત્રની આ કાર્યવાહીથી જાહેર જગ્યાઓ ખુલ્લી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં બાકીના દબાણો પણ તબક્કાવાર દૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: Gramin Bharat Mahotsav: અમદાવાદમાં ગ્રામીણ ભારત મહોત્સવનો પ્રારંભ, 11 રાજ્યની GI ટેગ ધરાવતી હસ્તકલાનું પ્રદર્શન