Gramin Bharat Mahotsav: અમદાવાદમાં ગ્રામીણ ભારત મહોત્સવનો પ્રારંભ, 11 રાજ્યની GI ટેગ ધરાવતી હસ્તકલાનું પ્રદર્શન


Gramin Bharat Mahotsav: અમદાવાદમાં 11 રાજ્યની GI ટેગ હસ્તકલાનું પ્રદર્શન
Gramin Bharat Mahotsav: અમદાવાદમાં ગ્રામીણ ભારત મહોત્સવનો પ્રારંભ, 11 રાજ્યની GI ટેગ ધરાવતી હસ્તકલાનું પ્રદર્શન


Gramin Bharat Mahotsav: અમદાવાદમાં 11 રાજ્યની GI ટેગ હસ્તકલાનું પ્રદર્શન
Gramin Bharat Mahotsav: અમદાવાદના હસ્તકલાપ્રેમીઓ અને ખરીદદારો માટે દેશની વિવિધ પરંપરાગત કળાઓને એક જ સ્થળે નિહાળવાની અને ખરીદવાની તક ઊભી થઈ છે. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) અને નાબાર્ડના સહયોગથી અમદાવાદમાં ‘ગ્રામીણ ભારત મહોત્સવ, ગુજરાત 2026’નું આયોજન કરવામાં આવ્યું છે.
27થી 29 નવેમ્બર દરમિયાન સિંધુ ભવન ખાતે યોજાનારા આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં 11 રાજ્યની ભૌગોલિક સંકેત (GI) ટેગ ધરાવતી હસ્તકલા કૃતિઓ અને નાબાર્ડ દ્વારા સમર્થિત ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યાં છે.
સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે
આ પ્રદર્શન દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. અહીં દેશના વિવિધ પ્રદેશોની વિશિષ્ટ હસ્તકલાઓ અને પરંપરાગત ઉત્પાદનો જોવા મળશે. તેમાં કાશ્મીરની કાશ્મીરી શાલ, ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદના બ્લોક પ્રિન્ટ અને ભદોહીના ગાલીચા, રાજસ્થાનની જયપુર બ્લૂ પોટરી અને લાખની બંગડીઓનો સમાવેશ થાય છે.
આ સિવાય મધ્ય પ્રદેશનાં મહેશ્વરી અને ચંદેરી હાથવણાટનાં ઉત્પાદનો, કર્ણાટકનાં ચન્નપટણનાં રમકડાં, બિહારનું ભાગલપુરી સિલ્ક, તમિલનાડુની કાંચીપુરમ સાડીઓ, ગોવાનાં કુનબી હાથવણાટનાં ઉત્પાદનો, તેલંગાણાનાં તંજોર પેઇન્ટિંગ્સ અને મહારાષ્ટ્રના વાઈગાંવની હળદર પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

ગુજરાતની પરંપરાગત હસ્તકલાઓ પણ આકર્ષણનું કેન્દ્ર
મહોત્સવમાં ગુજરાતની આગવી હસ્તકલાઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં સોદાગરી બ્લોક પ્રિન્ટ, પાટણનાં પટોળાં, એપ્લિક વર્ક, સૌરાષ્ટ્રનું મોતીકામ, માતાની પછેડી, કચ્છની બાંધણી અને કચ્છનું અજરખ રજૂ કરવામાં આવ્યાં છે.
કારીગરોને બજાર અને ગ્રાહકો સાથે જોડવાનો પ્રયાસ
આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ દેશની પરંપરાગત હસ્તકલાઓ પ્રત્યે લોકોમાં રુચિ અને કદર વધારવાનો તેમજ કારીગરોનાં ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. એક જ સ્થળે વિવિધ રાજ્યોની હસ્તકલાઓ ઉપલબ્ધ કરાવવાથી મુલાકાતીઓને દરેક ઉત્પાદન પાછળ રહેલી કારીગરી અને સાંસ્કૃતિક વારસાને સમજવાની તક મળશે.
EDII અને નાબાર્ડની આ પહેલ પરંપરાગત કૌશલ્યો, સ્થાનિક ઉત્પાદનો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ છે. સાથે જ, શહેરી ગ્રાહકોને દેશના સમૃદ્ધ હસ્તકલા વારસા સાથે જોડવાનો પણ તેનો હેતુ છે.
આ પણ વાંચો: Jamnagar News: હુમલામાં ઘાયલ પોલીસ જવાનની મુલાકાતે રેન્જ IG નિર્લિપ્ત રાય, હોસ્પિટલ પહોંચીને પૂછ્યા ખબર અંતર




