Junagadh SOGની મોટી કાર્યવાહી, 4 ગ્રામ મેફેડ્રોન સાથે ધોરાજીના બે શખ્સ ઝડપાયા



Junagadh SOG
Junagadh SOGની મોટી કાર્યવાહી, 4 ગ્રામ મેફેડ્રોન સાથે ધોરાજીના બે શખ્સ ઝડપાયા



Junagadh SOG
Junagadh SOG: નવરાત્રીના તહેવાર પહેલા જૂનાગઢ SOG દ્વારા ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ રાજકોટ જિલ્લાના ધોરાજીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
રેલવે સ્ટેશન સામે બે શખ્સ ઝડપાયા
મળતી માહિતી મુજબ, જૂનાગઢ SOGના PI પી.કે. ચાવડા અને તેમની ટીમ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રેલવે સ્ટેશન સામે આવેલા સરદાર પટેલ ગેટ પાસેથી બે શખ્સોને મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.
4 ગ્રામ મેફેડ્રોન જપ્ત
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 4 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓની ઓળખ રઈશ ઉર્ફે સમીર ઈમરાનભાઈ ગરાણા અને શાબીર ઈબ્રાહીમભાઈ રફાઈ ફકીર, બંને રહે. ધોરાજી, તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને શખ્સો ડ્રગ્સનું વેચાણ કરવા માટે નીકળ્યા હોવાની શંકા આધારે તપાસ આગળ વધારવામાં આવી છે.
વજન કાંટો અને ઈન્જેક્શન પણ મળ્યાં
આ કાર્યવાહીમાં પોલીસને ડ્રગ્સ ઉપરાંત અન્ય સામગ્રી પણ મળી આવી હતી. આરોપીઓ પાસેથી વજન કાંટો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત તેમની પાસેથી બે ઇન્સ્યુલિન ઈન્જેક્શન પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ રૂ. 82,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
સમગ્ર મામલે બંને આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.






