Jetpur Dog Attack: હડકાયા શ્વાનનો આતંક, 10થી 12 બાળકો-યુવાનોને બચકાં; અનેક વિસ્તારોમાં ફફડાટ



Jetpur Dog Attack
Jetpur Dog Attack: હડકાયા શ્વાનનો આતંક, 10થી 12 બાળકો-યુવાનોને બચકાં; અનેક વિસ્તારોમાં ફફડાટ



Jetpur Dog Attack
Jetpur Dog Attack: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, એક હડકાયા શ્વાને અલગ-અલગ વિસ્તારોમાં અંદાજે 10થી 12 બાળકો અને યુવાનોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. એકસાથે અનેક વિસ્તારોમાં શ્વાનના હુમલાની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન હુમલા
પ્રાથમિક માહિતી મુજબ, સાંજે આશરે 6થી 8 વાગ્યા દરમિયાન જેતપુરના અલગ-અલગ વિસ્તારોમાં શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓ બની હતી. અચાનક હડકાયેલા શ્વાને લોકોને નિશાન બનાવતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ખોડપરા, બાવાવાળા પરા, સત્યમ પાર્ક અને ગોંડલ દરવાજા વિસ્તારમાં શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
અનેક વિસ્તારોમાં શ્વાનના હુમલા
માત્ર આ વિસ્તારો પૂરતા જ નહીં, પરંતુ નાગબાઈ સોસાયટી, નવાગઢ, દેસાઈ વાડી અને મોટા ચોક સહિતના વિસ્તારોમાં પણ શ્વાનના હુમલાની ઘટનાઓ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. એકસાથે અલગ-અલગ વિસ્તારોમાં શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ભય સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.
ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર
શ્વાનના બચકાંના કારણે ઈજાગ્રસ્ત થયેલા તમામ બાળકો અને યુવાનોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. શ્વાનના હુમલાની ઘટનાઓ બાદ સ્થાનિકોમાં ખાસ કરીને બાળકોને લઈને ચિંતા વધી છે. સાંજના સમયે બહાર નીકળતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રખડતા શ્વાનોને પાંજરે પૂરવાની માંગ
એકસાથે અનેક વિસ્તારોમાં શ્વાનના હુમલાની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ રખડતા અને હડકાયા શ્વાનોને તાત્કાલિક પાંજરે પૂરવા તેમજ શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે. હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : Amreli Ganesh Visarjan દરમિયાન દુર્ઘટના, 4 યુવકો દરિયામાં ડૂબ્યા; 3નો બચાવ, 1 લાપતા






