Get News Alerts

Never miss breaking news updates.

Junagadh : નરસિંહ યુનિવર્સિટી કેમ્પસમાં સિંહની એન્ટ્રી, વિદ્યાર્થીઓમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

Junagadh : જૂનાગઢમાં ફરી એકવાર સિંહની હાજરીએ લોકોમાં ચકચાર મચાવી છે. જૂનાગઢ સ્થિત નરસિંહ યુનિવર્સિટીના કેમ્પસમાં સિંહ જોવા મળતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 05:50 PM IST
Junagadh : નરસિંહ યુનિવર્સિટી કેમ્પસમાં સિંહની એન્ટ્રી, વિદ્યાર્થીઓમાં કુતૂહલ સાથે ભયનો માહોલJunagadh : નરસિંહ યુનિવર્સિટી કેમ્પસમાં સિંહની એન્ટ્રી, વિદ્યાર્થીઓમાં કુતૂહલ સાથે ભયનો માહોલ

Junagadh

Junagadh : જૂનાગઢમાં ફરી એકવાર સિંહની હાજરીએ લોકોમાં ચકચાર મચાવી છે. જૂનાગઢ સ્થિત નરસિંહ યુનિવર્સિટીના કેમ્પસમાં સિંહ જોવા મળતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. લોકોની અવરજવર વચ્ચે સિંહે કેમ્પસ વિસ્તારમાં શિકાર કરી મિજબાની માણી હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થીઓએ ચાલુ ક્લાસ દરમિયાન જ સિંહ દર્શન કર્યા

મળતી માહિતી મુજબ, વરસાદી માહોલ વચ્ચે સિંહ યુનિવર્સિટી કેમ્પસમાં આવી પહોંચ્યો હતો. તે સમયે કેમ્પસમાં વિદ્યાર્થીઓની અવરજવર ચાલુ હતી અને કેટલાક વિદ્યાર્થીઓના ક્લાસ પણ ચાલી રહ્યા હતા. સિંહને કેમ્પસમાં જોતાં વિદ્યાર્થીઓમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ ચાલુ ક્લાસ દરમિયાન જ સિંહના દર્શન કર્યા હતા.

વીડિયો મોબાઈલમાં થયો કેદ

સિંહે વરસાદ વચ્ચે કેમ્પસ પરિસરમાં શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાને કેટલાક લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી. ત્યારબાદ સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેમ્પસ વિસ્તારમાં સિંહની હાજરી અને તેની હિલચાલ જોવા મળી રહી છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર અવારનવાર જોવા મળે છે. ખાસ કરીને ગીર વિસ્તારની આસપાસ માનવ વસાહતો નજીક સિંહો આવી પહોંચવાના બનાવો સામે આવતા રહે છે. જોકે, યુનિવર્સિટી જેવા લોકોની અવરજવર ધરાવતા કેમ્પસમાં સિંહ જોવા મળતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ચિંતા ફેલાઈ હતી.

વન વિભાગને કરાઈ જાણ

ઘટનાની જાણ થતાં વન વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી છે. સિંહ કેમ્પસમાં કયા માર્ગે પહોંચ્યો અને હાલ તે કયા વિસ્તારમાં છે તે અંગે નજર રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. સિંહની હાજરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને સિંહની નજીક ન જવા તથા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Amreli : SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.