Junagadh : ડેડકિયાડી પ્રાથમિક શાળાના 90 વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ, દીપડાઓના આતંકથી ગ્રામજનો ચિંતિત


Junagadh
Junagadh : ડેડકિયાડી પ્રાથમિક શાળાના 90 વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ, દીપડાઓના આતંકથી ગ્રામજનો ચિંતિત


Junagadh
Junagadh : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકિયાડી ગામમાં દીપડાઓની સતત અવરજવરથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે 90 વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં પણ ચિંતા ફેલાઈ છે. થોડા સમય અગાઉ ગામમાં પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જતાં બાળકીનું મોત થયું હતું. આ કરૂણ ઘટનાની યાદ હજુ તાજી છે, ત્યારે વિસ્તારમાં એક બાદ એક ત્રણ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં ભય વધુ ઘેરાયો છે.
એક પછી એક ત્રણ દીપડા પાંજરે પૂરાયા
મળતી માહિતી મુજબ, ડેડકિયાડી ગામ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓની અવરજવર સતત જોવા મળી રહી હતી. બાળકીના મોત બાદ વન વિભાગ દ્વારા દીપડાઓને પકડવા માટે પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા. જેના પગલે એક પછી એક ત્રણ દીપડા પાંજરે પૂરાયા છે. જોકે, આ કાર્યવાહી છતાં ગ્રામજનોમાં હજુ પણ દીપડાઓનો ભય યથાવત્ છે.
બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત
ખાસ કરીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત છે. શાળામાં આશરે 90 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દીપડાઓની હાજરીને કારણે વાલીઓમાં બાળકોને શાળાએ મોકલવા અંગે પણ ભયનો માહોલ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, બાળકી સાથે બનેલી ઘટનાથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. દીપડાના ભયને કારણે ખેડૂતો પણ રાત્રિના સમયે પોતાના ખેતરોમાં જવાનું ટાળી રહ્યા છે. ખેતીના કામ માટે રાત્રે ખેતરે જવું પડે ત્યારે પણ લોકોમાં ભય જોવા મળે છે.
સુરક્ષા માટે જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવે તેવી માગ
ગ્રામજનો દ્વારા વન વિભાગ સમક્ષ પ્રાથમિક શાળાની આસપાસના વિસ્તારમાં ખાસ સફાઈ કામગીરી હાથ ધરવાની માગ કરવામાં આવી છે. શાળા આસપાસના જાડી ઝાંખરા, ઊંચા ઘાસ અને જંગલ જેવા વિસ્તારોને સાફ કરવામાં આવે તેવી માગ છે, જેથી દીપડાઓને છુપાવા માટેની જગ્યા ન મળે અને વિદ્યાર્થીઓની સુરક્ષા વધારી શકાય. હાલ વન વિભાગ દ્વારા વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા દીપડાઓની વધુ અવરજવર અટકાવવા અને શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Valsad : પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ 15થી વધુ વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ, વાલીઓમાં રોષ ફેલાયો




