Junagadh SOG Raid: SOG પોલીસની મોટી કાર્યવાહી, કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપાયો, 6 લોકો સામે નોંધાયો ગુનો


Junagadh SOG Raid News
Junagadh SOG Raid: SOG પોલીસની મોટી કાર્યવાહી, કારમાંથી 29.634 કિલો ગાંજો ઝડપાયો, 6 લોકો સામે નોંધાયો ગુનો


Junagadh SOG Raid News
Junagadh SOG Raid: જૂનાગઢમાં નશાના કારોબાર સામે SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા કારમાં ગાંજાની હેરફેર કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વનસ્પતિજન્ય ગાંજો (મેરિજૂઆના હશીશ)નો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 29.634 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની કિંમત અંદાજે રૂપિયા 14,81,700 થાય છે.
બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી
મળતી માહિતી મુજબ, SOG પોલીસને ગાંજાની હેરફેર અંગે બાતમી મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કારમાં ગાંજાનો જથ્થો સગેવગે કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ગાંજાની સાથે હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. આ સમગ્ર કાર્યવાહીમાં ગાંજાના જથ્થા સહિત કાર, મોબાઈલ અને રોકડ મળીને કુલ રૂપિયા 16,12,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ત્રણ આરોપીઓની ધરપકડ, ત્રણની શોધખોળ ચાલુ
આ મામલે પોલીસે કુલ 6 શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જેમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ઈલિયાસ ઉર્ફે ટીપુ અલીભાઈ મકરાણી, ઈમ્તિયાઝ ઉર્ફે હુડો અબ્દુલભાઈ સમા અને વાસિમખાન મહેબૂબખાન પઠાણનો સમાવેશ થાય છે.
જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ આમિર અલીભાઈ મકરાણી, અલ્તાફ ભીખુદીન મકરાણી અને મુસ્તકમીય બાઉદિનમયા કાદરીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
નશાના નેટવર્ક અંગે તપાસ તેજ
SOG પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. ફરાર આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે. જૂનાગઢમાં નશાના કારોબાર સામે SOGની આ કાર્યવાહીથી ગાંજાની હેરફેર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: Jamnagar Encroachment Removal Drive: અંબર ચોકડી ઓવરબ્રિજ પાસે મનપાનું મેગા દબાણ હટાવો ઓપરેશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા




