UCC કાયદા અંગે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા, કહ્યું 'દીકરા દીકરીને હવે આ કાયદા સાથે સમાન હક મળશે'


UCC Law
UCC કાયદા અંગે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા, કહ્યું 'દીકરા દીકરીને હવે આ કાયદા સાથે સમાન હક મળશે'


UCC Law
UCC Law : ગુજરાતમાં સમાન નાગરિક ધારા (UCC)ને કાયદાકીય સ્વરૂપ આપવાની ચર્ચા વચ્ચે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે UCC કાયદો લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. તેમના જણાવ્યા અનુસાર, આ કાયદા દ્વારા દીકરા અને દીકરીને સમાન અધિકારો મળશે તેમજ ભરણપોષણ અને જવાબદારી સહિતની બાબતો માટે પણ જોગવાઈ કરવામાં આવશે.
ગુજરાત UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી
મંત્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદામાં આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે, જોકે કાયદાના અમલની તારીખ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવાની બાકી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે UCCમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ, ભરણપોષણ અને પારિવારિક જવાબદારીઓ જેવી બાબતોને આવરી લેવામાં આવશે. કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈઓના અમલથી નાગરિકોને સમાન કાનૂની માળખું મળશે તેવો તેમણે દાવો કર્યો હતો.
1,200 સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો
બીજી તરફ, જીતુ વાઘાણીએ પ્રાકૃતિક કૃષિ સમારોહમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યભરમાં અલગ-અલગ સ્થળોએ પ્રાકૃતિક કૃષિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આશરે 1,200 સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા અંદાજે 52 હજાર ખેડૂતો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને 'બેસ્ટ આત્મા ખેડૂત એવોર્ડ' એનાયત કરવામાં આવ્યા હતા. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા માટે ISRO સાથે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ સહયોગથી ખેડૂતોને ખેતી સંબંધિત માહિતી સમયસર મળી શકશે અને તેમની સમસ્યાઓના ઝડપી ઉકેલમાં મદદ મળશે. આમ, એક તરફ UCC કાયદા અંગે સરકાર દ્વારા તેની જોગવાઈઓ અને અમલીકરણની વાત રજૂ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ટેક્નોલોજી અને ખેડૂતોની ભાગીદારી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Surat : રેલવે સ્ટેશન પર કુલીની ઈમાનદારીની મિસાલ, 6થી 7 લાખના ડોલર અને પાસપોર્ટ ભરેલી બેગ મુસાફરને પરત કરી




