Jamnagar News: જામનગરમાં આખલાઓનો આતંક! હીરજી મિસ્ત્રી રોડ પર વાહનોને લીધા અડફેટે


બે આખલાઓ વચ્ચે જંગ થતાં અનેક વાહનો અડફેટે આવ્યા
Jamnagar News: જામનગરમાં આખલાઓનો આતંક! હીરજી મિસ્ત્રી રોડ પર વાહનોને લીધા અડફેટે


બે આખલાઓ વચ્ચે જંગ થતાં અનેક વાહનો અડફેટે આવ્યા
Jamnagar News: જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જાહેર રસ્તા પર જોરદાર જંગ ખેલાતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. બંને આખલાઓ લાંબા સમય સુધી રસ્તા પર બાખડતા રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતાં અનેક વાહનો પણ તેમની અડફેટે આવ્યા હતા.
બે આખલાઓ સામસામે આવી ગયા
મળતી માહિતી મુજબ, હીરજી મિસ્ત્રી રોડ પરથી લોકો અને વાહનોની અવરજવર ચાલી રહી હતી ત્યારે અચાનક બે આખલાઓ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર ટક્કર અને જંગ શરૂ થયો હતો. આખલાઓ એકબીજા પર હુમલો કરતા રસ્તા પર દોડાદોડી કરવા લાગ્યા હતા. આ દૃશ્ય જોઈને આસપાસથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો રોકવાની ફરજ પડી હતી. આખલાઓની આ લડાઈ દરમિયાન રસ્તા પરથી પસાર થતાં અનેક વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાહદારીઓ અને વાહનચાલકોમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો. જાહેર માર્ગ પર આ પ્રકારની ઘટના બનતાં સ્થાનિક લોકોની સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
રખડતાં ઢોરને નિયંત્રિત કરવા અસરકારક પગલા લેવા જરૂરી
ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત્ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આખલાઓ અને રખડતા પશુઓને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડ શાખાની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરીજનોની માગ છે કે મહાનગરપાલિકા આ સમસ્યાને ગંભીરતાથી લઈ રખડતાં ઢોરને નિયંત્રિત કરવા અસરકારક પગલાં ભરે, જેથી જાહેર માર્ગો પર લોકોની સુરક્ષા જળવાઈ રહે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે.
આ પણ વાંચો: Kutch News: રાપરમાં ખનિજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડનો સપાટો, રૂપિયા 4.45 કરોડના વાહનો સીઝ




