Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar : જોડિયા તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં, વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જોડિયા તાલુકાના વાવડી ગામ સહિત આસપાસના ખેડૂતો એકત્રિત થઈ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Kunjan ShuklaUpdated on: 27 Sep 2026 04:19 PM IST
Jamnagar : જોડિયા તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં, વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગJamnagar : જોડિયા તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં, વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ

Jamnagar

Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જોડિયા તાલુકાના વાવડી ગામ સહિત આસપાસના ખેડૂતો એકત્રિત થઈ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માગ છે કે સમગ્ર જોડિયા વિસ્તારને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે.

ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો

ખેડૂતોના જણાવ્યા મુજબ, ચાલુ સિઝનમાં પૂરતો વરસાદ ન પડતા ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. વરસાદની અછતને કારણે અનેક વિસ્તારોમાં વાવેતર નિષ્ફળ ગયું છે. જેના પગલે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખેતીમાં કરેલા ખર્ચ સામે ઉત્પાદન ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવડી ગામના ખેડૂતોનું કહેવું છે કે પાક નિષ્ફળ જવાથી હવે બેન્કમાંથી લીધેલા ધીરાણ તેમજ વ્યાજે લીધેલા નાણાં ચૂકવવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ખેડૂતો દ્વારા પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની પણ માગ કરવામાં આવી છે.

સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી

ખેડૂતોએ જણાવ્યું હતું કે દુષ્કાળની સ્થિતિ અંગે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીમાં અનેક વખત આવેદનપત્રો આપવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી તેમની સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ખેડૂતોની માગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને વાસ્તવિક પરિસ્થિતિના આધારે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે. ખેડૂતો દ્વારા મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરી સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જો ત્યાં દુષ્કાળ જાહેર થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં?

ખેડૂતોનું કહેવું છે કે સરકાર ગુજરાતને રોલ મોડલ ગણાવે છે, પરંતુ બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જોડિયા તાલુકાના ખેડૂતો હવે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ સમગ્ર વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, પાક ધિરાણ માફ કરે અને નુકસાનનું યોગ્ય વળતર આપે તેવી માગ કરી રહ્યા છે. સરકાર દ્વારા વહેલી તકે સર્વે અને સહાયની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની અપેક્ષા છે.

આ પણ વાંચો : Kheda : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં લાગી આગ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.