Operation Health Gujarat: ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ, સરકાર ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવશે


Operation Health Gujarat ice cream frozen dessert campaign ઓપરેશન હેલ્થ
Operation Health Gujarat: ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ, સરકાર ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવશે


Operation Health Gujarat ice cream frozen dessert campaign ઓપરેશન હેલ્થ
Operation Health Gujarat: ગુજરાતના આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ‘ઓપરેશન હેલ્થ’ નામના જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બજારમાં મળતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોને જાગૃત કરવાનો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારનો પ્રયાસ છે કે ગ્રાહકો બંને ઉત્પાદનોની બનાવટ સમજે અને ખરીદી કરતાં પહેલાં પેકેટ પરનું લેબલ વાંચીને યોગ્ય પસંદગી કરે.
શું છે ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન?
રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોમાં પારદર્શિતા લાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે જનજાગૃતિ ફેલાવવાનો નિર્ણય લેવાયો હતો. સરકારના જણાવ્યા અનુસાર, દેખાવ, ઠંડક અને સ્વાદમાં બંને ઉત્પાદનો સરખાં લાગતાં હોવાથી ઘણા ગ્રાહકો વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટમાં શું છે તફાવત?
બંને ઉત્પાદનોની બનાવટમાં મુખ્ય તફાવત તેમાં વપરાતી ચરબીનો છે.
- આઈસ્ક્રીમ: દૂધની ચરબી એટલે કે મિલ્ક ફેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
- ફ્રોઝન ડેઝર્ટ: તેમાં વનસ્પતિ આધારિત ચરબી એટલે કે વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે.
બંને ઉત્પાદનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ નિર્ધારિત નિયમો અને ધોરણો અનુસાર બનાવવામાં આવે તો કાયદેસર રીતે વેચી શકાય છે. ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. તેની ગુણવત્તા અને પોષક મૂલ્ય તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે.
ખરીદી પહેલાં પેકેટ પરનું લેબલ વાંચો
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગ્રાહકોને અપીલ કરી છે કે આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ખરીદતાં પહેલાં પેકેટ પરની વિગતો ધ્યાનથી વાંચે. ખાસ કરીને ઉત્પાદનનું નામ, તેમાં વપરાયેલા ઘટકોની યાદી અને પોષકતત્ત્વોની માહિતી તપાસવી જોઈએ. માત્ર પેકેટનો દેખાવ, બ્રાન્ડ કે સ્વાદના આધારે ઉત્પાદનને આઈસ્ક્રીમ માનીને ખરીદવું યોગ્ય નથી.
છૂટક વેચાણ કરતા વેપારીઓને પણ સૂચના
આરોગ્યમંત્રીએ રાજ્યના આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના વિક્રેતાઓને પણ અપીલ કરી છે કે છૂટક વેચાણ કરતી વખતે ગ્રાહકોને ઉત્પાદનની બનાવટ અંગે સ્પષ્ટ માહિતી આપે. દુકાનોમાં યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ રાખવામાં આવે, જેથી ગ્રાહકોને કયું ઉત્પાદન આઈસ્ક્રીમ છે અને કયું ફ્રોઝન ડેઝર્ટ છે તેની જાણકારી મળી રહે.
સોશિયલ મીડિયા યુઝર્સને અભિયાનમાં જોડાવા અપીલ
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે. એ જ રીતે હવે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે પણ જનજાગૃતિ જરૂરી છે. તેમણે શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે.
ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન જરૂરી
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફ્રોઝન ડેઝર્ટને આપમેળે ભેળસેળયુક્ત કે અસુરક્ષિત ગણવું યોગ્ય નથી. બંને ઉત્પાદનો માટે લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના નિયમોનું પાલન જરૂરી છે. આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




