Ahmedabad Crime News: ગાંધીગ્રામ રેલવે સ્ટેશન બહાર મહિલાને છરી બતાવી ₹5 લાખના દાગીના લૂંટવાનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા

Ahmedabad Crime News: અમદાવાદમાં મહિલાને છરી બતાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. રાજસ્થાનથી અમદાવાદ આવેલી પંકુબેન હજારીમલને લૂંટારુઓએ નિશાન બનાવી હતી.
Nisha Parmar
Nisha Parmar
Ahmedabad police arrest three accused in robbery case લૂંટ કેસAhmedabad police arrest three accused in robbery case લૂંટ કેસ

Ahmedabad police arrest three accused in robbery case લૂંટ કેસ

Ahmedabad Crime News: અમદાવાદમાં મહિલાને છરી બતાવી લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. રાજસ્થાનથી અમદાવાદ આવેલી પંકુબેન હજારીમલને લૂંટારુઓએ નિશાન બનાવી હતી. 15 નવેમ્બરે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ તેઓ ઓટો-રિક્ષામાં બેઠાં હતાં. જોકે, આ રિક્ષામાં પહેલેથી જ ચાર શખ્સો સવાર હતા. ગુરુદ્વારા તરફ જતી વખતે આરોપીઓએ મહિલાને છરી બતાવી ધમકાવી અને તેમણે પહેરેલા ₹5 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના લૂંટી લીધા હતા. પોલીસે તપાસના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી જ મહિલાને બનાવ્યા નિશાન

મળતી માહિતી મુજબ, રાજસ્થાનથી અમદાવાદ આવેલી પંકુબેન હજારીમલ 15 નવેમ્બરના રોજ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર ઉતર્યા હતાં. ત્યારબાદ તેઓ ઓટો-રિક્ષામાં બેઠાં હતાં. આ રિક્ષામાં પહેલેથી જ ચાર શખ્સો સવાર હતા. મહિલા ગુરુદ્વારા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આરોપીઓએ તેમને લૂંટવાના ઇરાદે ધમકાવ્યાં હતાં.

છરી બતાવી ₹5 લાખથી વધુના દાગીના લૂંટ્યા

ઓટો-રિક્ષામાં સવાર આરોપીઓમાંથી જુહાપુરાના અલી ખાન છોટેખાન પઠાણે મહિલાને છરી બતાવી હતી. છરીના જોરે મહિલાને ધમકાવી તેમના શરીર પર પહેરેલા ₹5 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી હતી.

પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસે તપાસ દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓનાં નામ સાહિલ હુસૈન, રહેમત હુસૈન મોહસીન અને શાહરૂખ કરીમભાઈ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓ મહેસાણા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં આરોપીઓ અગાઉ કલોલ, કડી અને મહેસાણા વિસ્તારમાં ચોરી તથા લૂંટના ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

લૂંટેલા દાગીના ઓગાળીને સોનાની લગડી બનાવી

પોલીસ તપાસમાં આરોપીઓએ લૂંટેલા સોનાના દાગીના કલોલના અનિલભાઈ નામના સોનીને આપ્યા હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. સોનીએ આ દાગીનાને ઓગાળીને સોનાની લગડી બનાવી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે. હવે પોલીસ આ સોનાની રિકવરી અને સમગ્ર ગુનામાં અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરી રહી છે.

મુખ્ય આરોપી હજુ ફરાર, શોધખોળ તેજ

આ લૂંટના ગુનામાં મુખ્ય આરોપી અલી ખાન છોટેખાન પઠાણ હજુ પોલીસ પકડથી દૂર છે. તેની ધરપકડ માટે પોલીસે શોધખોળ તેજ કરી છે. પોલીસના પ્રાથમિક ખુલાસા મુજબ, આરોપીઓ અંગત ખર્ચ અને મોજશોખ પૂરા કરવા માટે ચોરી તથા લૂંટના ગુનાઓને અંજામ આપતા હતા. મુખ્ય આરોપી ઝડપાયા બાદ ગુનાને લગતી વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો : Russia Military Plane Crash: સાઇબિરીયાના કેમેરોવોમાં રશિયન સેનાનું An-12 વિમાન ક્રેશ થતાં તમામ 19 લોકોનાં મોત, ટેકનિકલ ખામીની આશંકા