Diwali 2026: રાજ્યભરમાં દિવાળીના તહેવારને લઈને ગુજરાત ફાયર વિભાગ સજ્જ, નાગરિકોની સુરક્ષામાં 24 કલાક ટીમો રહેશે સ્ટેન્ડબાય


Diwali 2026
Diwali 2026: રાજ્યભરમાં દિવાળીના તહેવારને લઈને ગુજરાત ફાયર વિભાગ સજ્જ, નાગરિકોની સુરક્ષામાં 24 કલાક ટીમો રહેશે સ્ટેન્ડબાય


Diwali 2026
Diwali 2026: દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ આગના બનાવો સહિતની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત રાજ્યના મુખ્ય શહેરોના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા વિશેષ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ફાયર ટેન્ડર અને જરૂરી સાધન-સામગ્રી સાથે કર્મચારીઓ 24 કલાક ખડે પગે ફરજ બજાવશે.
આ ઉપરાંત ડાયલ 112 અને 101 પ્રોજેક્ટ અંતર્ગત દિવાળીના તહેવારની જરૂરિયાતોને ધ્યાને રાખી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં અગાઉ કાર્યરત ડાયલ ૧૧૨ની સાથે હંગામી ધોરણે ઈમરજન્સી નંબર 101 પણ કાર્યરત કરવામાં આવ્યો છે.
વિવિધ મુખ્ય શહેરોમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસનું આયોજન:
અમદાવાદ: શહેરના 18 ફાયર સ્ટેશન હાઈ એલર્ટ પર રખાયા છે. કાલુપુર, રીલિફ રોડ, લાલ દરવાજા અને બાપુનગર જેવા અતિ ગીચ વિસ્તારોમાં મોટર સાઈકલ વિથ મિસ્ટ ટેકનોલોજી અને ક્વિક રિસ્પોન્સ વિહિકલની ખાસ વ્યવસ્થા કરાઈ છે. જ્યારે એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ અને એસ.પી. રીંગ રોડ પર વોટર બાઉઝર સાથે કર્મચારીઓ સ્ટેન્ડબાય રહેશે.
જૂનાગઢ: ગિરનાર દરવાજા, દોલતપરા ફાયર સ્ટેશન, આઝાદ ચોક, ઝાંસીની રાણી ચોક, ઝાંઝરડા ચોકડી અને મધુરમ ગેટ એમ કુલ 6 મહત્વપૂર્ણ સ્થળોએ 12-12 કલાકની શિફ્ટ મુજબ કુલ 120 કર્મચારીઓ 24 કલાક સજ્જ ફાયર ફાઇટિંગ ટીમો સાથે સ્ટેન્ડબાય રહેશે.
ભાવનગર: ઘોઘા ગેટ, સંસ્કાર મંડળ, જવાહર મેદાન, ખારગેટ સહિત કુલ 11 મહત્વપૂર્ણ સ્થળોએ 12-12 કલાકની શિફ્ટ મુજબ 118 કર્મચારીઓ જરૂરી વાહનો સાથે 24 કલાક તૈનાત રહેશે.
જામનગર: કુલ 9 સ્થળો પર વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં ૩ મુખ્ય ફાયર સ્ટેશન (મુખ્ય ફાયર સ્ટેશન, જનતા ફાટક અને બેડી વિસ્તાર), 4 હંગામી ફાયર સ્ટેશન (સમર્પણ સર્કલ, ડીકેવી સર્કલ, રાધિકા સ્કૂલ પાસે, સાધના કોલોની રોડ ગીન સિટી) તેમજ દરબારગઢ સર્કલ અને રંગમતી નદીના પટમાં ફટાકડા બજાર ખાતે કુલ 130 કર્મચારીઓ વાહનો સાથે ફરજ પર રહેશે.
ગાંધીનગર: સેક્ટર-17, સરગાસણ, ભાટ અને રાંધેજા એમ 4 ફાયર સ્ટેશનો ખાતે કુલ 27 જરૂરી ફાયર અને ઈમરજન્સી વાહનો જેવા કે ફાયર ટેન્ડર, વોટર બાઉઝર વગેરે સાથે કર્મચારીઓ 24 કલાક સ્ટેન્ડબાય રહેશે.
વડોદરા: શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર ટેન્ડર અને વોટર બાઉઝર સહિતના વાહનો સાથે સજ્જ ટીમો 24 કલાક ફરજ બજાવશે.
રાજકોટ: શહેરના કુલ 10 ફાયર સ્ટેશનો ખાતે સજ્જ ફાયર ફાઇટિંગ ટીમો અને ઈમરજન્સી વાહનો 24 કલાક સ્ટેન્ડબાય મોડ પર રહેશે.
ઉલ્લેખનીય છે કે, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ દ્વારા રાજ્યના નાગરિકોને દિવાળી દરમિયાન ફટાકડાનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવા, ખુલ્લા અને સુરક્ષિત સ્થળે જ ફટાકડા ફોડવા, જ્વલનશીલ પદાર્થોથી દૂર રહેવા, બાળકો સાથે વડીલોની હાજરી રાખવા તથા અગ્નિ નિવારણના તમામ નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat Education : દિવાળીની રજાઓમાં પણ શિક્ષણ વિભાગની કામગીરી, D.El.Ed.ના પ્રથમ દિવસે 1500 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો




