Gujarat Education : દિવાળીની રજાઓમાં પણ શિક્ષણ વિભાગની કામગીરી, D.El.Ed.ના પ્રથમ દિવસે 1500 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

Gujarat Education : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
Vivek Shah
Vivek Shah
Gujarat Education પીટીસી કોલેજ પ્રવેશ પ્રક્રિયાGujarat Education પીટીસી કોલેજ પ્રવેશ પ્રક્રિયા

Gujarat Education પીટીસી કોલેજ પ્રવેશ પ્રક્રિયા

Gujarat Education : આ રાઉન્ડના પ્રથમ જ દિવસે રાજ્યભરના અંદાજે 1,500 વિદ્યાર્થીઓને પી.ટી.સી. (D.El.Ed.) કોલેજોમાં પ્રવેશ મળ્યો છે. દિવાળીના તહેવાર અને રજાઓ વચ્ચે પણ શિક્ષણ વિભાગે પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખીને વિદ્યાર્થીઓને મોટી તક પૂરી પાડી છે. પ્રવેશ પ્રક્રિયાના અગાઉના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કેટલીક બેઠકો ખાલી રહી હતી.

આ બેઠકો પર પ્રવેશ મેળવવા ઇચ્છુક અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તક મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઑફલાઇન રાઉન્ડ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના નિર્ણયના માત્ર બે દિવસમાં જ શિક્ષણ વિભાગે આ પ્રક્રિયા માટે જરૂરી આયોજન પૂર્ણ કર્યું હતું.ડી.એલ.એડ. (D.El.Ed.) એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનના પ્રવેશ માટે ઑફલાઇન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે.

1500 વિધાર્થીઓને પ્રવેશ અપાયો

ધનતેરસના દિવસે પણ પ્રવેશ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. મર્યાદિત સંસાધનો અને ટૂંકા સમયગાળામાં અધિકારીઓ તથા કર્મચારીઓએ સંકલન સાથે કામગીરી હાથ ધરી હતી. તેના પરિણામે પ્રથમ દિવસે જ અંદાજે 1,500 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં સફળતા મળી હતી. તહેવારના માહોલ વચ્ચે પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને પ્રાથમિકતા આપવાની આ કામગીરીને સરાહનીય ગણાવવામાં આવી રહી છે.

આ સમગ્ર પ્રવેશ અભિયાન દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા પણ મોડી રાત્રે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્થળ પર લગભગ એક કલાક સુધી રહીને પ્રવેશ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત શિક્ષકો સાથે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. શિક્ષણ મંત્રીની હાજરીથી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહ વધ્યો હતો.

સૂચનાઓનું વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જરૂરી છે

પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશ ત્રિવેદી અને સંયુક્ત નિયામક બારીયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવામાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, આઉટસોર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ સહયોગ આપ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલથી અગાઉના રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને વધુ એક તક મળી છે.

ટૂંકા સમયમાં આયોજન કરીને તહેવાર દરમિયાન પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા વહીવટી કાર્યક્ષમતા અને વિદ્યાર્થીકેન્દ્રિત અભિગમનું ઉદાહરણ પૂરું પડાયું છે. આમ, D.El.Ed.ના ઑફલાઇન પ્રવેશ રાઉન્ડના પ્રથમ દિવસે જ 1,500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. બાકી રહેલી બેઠકો માટેની આગળની પ્રક્રિયા અંગે સંબંધિત કચેરી દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : Mountaineering Competition : ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાશે આરોહણ-અવરોહણ સ્પર્ધા, 20 નવેમ્બર સુધી કરો અરજી