Gujarat Police : ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો



Gujarat Police Mentors
Gujarat Police : ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો



Gujarat Police Mentors
Gujarat Police : પોતાનુ સંપૂર્ણ જીવન સમર્પિત કરી ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કરનાર ૩૦થી વધુ ડીજીપી અને એડીજીપી રેન્કના નિવૃત્ત પોલીસ અધિકારીઓનું પુસ્તક આપી સન્માન કરાયું, ગુજરાત પોલીસે પોતાની પરંપરાને જાળવી રાખતા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું.
રાજ્યના પૂર્વ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલ અંતર્ગત પોતાના કર્મયોગથી ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસની પાયાની ઈંટો મૂકી છે અને ખાખી વર્દીની ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજ્જ્વળ બનાવી છે, તેવા નિવૃત્ત DGP અને ADGP રેન્કના અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
શીખ અને સંસ્કારો જ અધિકારીની આગળની તમામ સફળતાનું ચાલકબળ બને
જે પોલીસ અધિકારીઓએ પોતાનુ સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસ સેવામાં સમર્પિત કરી ગુજરાત પોલીસનો સુવર્ણ ઇતિહાસ ઘડ્યો છે તેમજ અનેક નવીન પરિવર્તનો લાવીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા નિવૃત્ત ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના પોલીસ અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીશ્રીઓનું આજે આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા 30 થી વધુ અધિકારીઓ અને તેમના પરિવારો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર પોલીસ ભવન ખાતે આયોજિત 'વી સેલ્યુટ અવર મેન્ટોર્સ' (We Salute Our Mentors) કાર્યક્રમમાં ગુરુ તેવા સૌ નિવૃત્ત સિનિયર અધિકારીઓને સંબોધતા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, વરિષ્ઠ માર્ગદર્શકોને વંદન અને તેમના સન્માનના ઉદ્દેશ્ય સાથે આ અનોખા કાર્યક્રમની શરૂઆત વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ પોલીસ અધિકારીની સમગ્ર કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો ગાળો પાયારૂપ હોય છે; તે સમયે મેન્ટર્સ પાસેથી મળેલી શીખ અને સંસ્કારો જ અધિકારીની આગળની તમામ સફળતાનું ચાલકબળ બને છે.
મેન્ટોર્સના અમૂલ્ય માર્ગદર્શન
સાબરકાંઠાના હિંમતનગર ખાતેના પોતાના પ્રોબેશન સમયગાળાનો ઉલ્લેખ કરતા મલિકે વરિષ્ઠ અધિકારી પ્રિયદર્શી અને પી. બી. ગોંડિયાના યોગદાનને વિશેષ રૂપે બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ફિલ્ડ તાલીમ દરમિયાન નિયમિત અંગ્રેજીમાં વીકલી ડાયરી લખવાનો આગ્રહ, રાત્રિ રાઉન્ડ, ગેરહાજર કર્મચારીઓના જાતે નિવેદનો લેવા તેમજ લોકફરિયાદોનું સંવેદનશીલ નિવારણ કરવા જેવી પદ્ધતિઓ તેમને આ મેન્ટોર્સ પાસેથી શીખવા મળી હતી. આ ઉપરાંત, જૂનાગઢ ખાતે ટ્યુનિક યુનિફોર્મ અને તત્કાલીન આઈજી ગુરદયાલ સિંહની ઇન્સ્પેક્શન પરેડથી શિસ્ત અને લાઇન તપાસનું મહત્વ સમજાયું હતું, જ્યારે પ્રાંતિજ ખાતે એએસપી તરીકે પોલીસ સ્ટેશન સંચાલન અને પંચાયત ચૂંટણી દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનની મહત્વપૂર્ણ તાલીમ મળી હતી. બાદમાં પોરબંદર ખાતે પ્રિયદર્શી સરના ઇન્સ્પેક્શન વખતે ક્ષતિરહિત પરેડ આપીને તેમની પ્રશંસા મેળવ્યાની યાદ પણ તેમણે તાજી કરી હતી.
પોતાના સંબોધનના અંતે મલિકે પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત ઉપસ્થિત તમામ વરિષ્ઠ નિવૃત્ત અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે કરિયરના પ્રારંભે આદરણીય માર્ગદર્શકો પાસેથી મળેલું વ્યવહારુ જ્ઞાન, કાર્યપદ્ધતિ અને શિસ્ત આજે કારકિર્દીના અંતિમ તબક્કે પણ એટલાં જ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે. ગુજરાત પોલીસ હંમેશાં પોતાના મેન્ટોર્સના અમૂલ્ય માર્ગદર્શન અને વારસાનું ઋણી રહેશે.
પરિવારનો સાથ મળ્યો : અનુપમસિંહ ગેહલોત
આ સમારોહમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે, પોલીસના સર્વિસ રેકોર્ડમાં પોસ્ટિંગ અને પ્રમોશન જેવી બાબતો નોંધાય છે, પરંતુ તેઓ રાત્રે મોડા ઘરે પહોંચે છે, બાળકો જાગે તે પહેલાં ફરી ફરજ પર પહોંચી જાય છે, તહેવારોમાં રસ્તા પર ઊભા રહીને પ્રજાની સુરક્ષા કરે છે કે સામાજિક પ્રસંગો છોડવા પડે છે, આ ત્યાગ અને સંઘર્ષ ક્યારેય રેકોર્ડમાં નથી લખાતો. ત્યારે પોલીસ અધિકારીઓની સતત થતી બદલીઓ અને પડકારો વચ્ચે તેમના પરિવારજનો અને પત્નીએ જે સાથ આપ્યો, ઘર સંભાળ્યું અને ત્યાગ કર્યો, તેની તેમણે ખાસ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે પોલીસ વ્યવસ્થા કાયદા-કાનૂન કે પ્રક્રિયાઓની સાથે સાથે વરિષ્ઠ અધિકારીઓના અનુભવો, પરંપરા અને શિસ્ત દ્વારા ચાલે છે. સાથે જ તેમણે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ વિવિધ કટોકટી, કાયદો-વ્યવસ્થા કે બંદોબસ્ત દરમિયાન જે નિર્ણયો લીધા અને શીખ આપી, તે અનુભવો આજે પણ નવી પેઢીના અધિકારીઓ સાથે શેર કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાત પોલીસ હંમેશાં પોતાના મેન્ટોર્સની ઋણી રહેશે.
નિવૃત્ત ડીજીપી પી. સી. પાંડે, એસ.એસ.ખાંડવાવાલા, સતિષ શર્મા, મીરા રામનિવાસ, નિવૃત્ત એડીજીપી આર. પી. પ્રિયદર્શી, વિજયસિંહ ગુમાન, જે. એસ. બિન્દ્રા સહિતના નિવૃત્ત અધિકારીઓએ આ પ્રકારના વિશેષ કાર્યક્રમના આયોજનની પ્રશંસા કરી અને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે આ પ્રકારનું આયોજન કદાચ એકમાત્ર ગુજરાત રાજ્યમાં થતું હશે અને તે ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમમાં નિવૃત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પી. સી.પાન્ડે, એસ.એસ. ખંડાવાલા, પ્રમોદ કુમાર, આશિષ ભાટિયા, શિવાનંદ ઝા અને વિકાસ સહાય સહિત અનેક નિવૃત્ત પોલીસ અધિકારીઓ ઉપરાંત વર્તમાનમાં ફરજરત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Rajkot માં ગણપતિ વિસર્જન સમયે કરુણ દુર્ઘટના, એક જ પરિવારના 3નાં મોત

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





