Gandhinagar News: 19 મહિના બાદ પણ ખેલ સહાયકોની ભરતી નહીં, 1,667 કર્મચારીઓની રાહ યથાવત્


Gandhinagar News
Gandhinagar News: 19 મહિના બાદ પણ ખેલ સહાયકોની ભરતી નહીં, 1,667 કર્મચારીઓની રાહ યથાવત્


Gandhinagar News
Gandhinagar News: ગાંધીનગરમાં રાજ્યના ખેલ સહાયકોની ભરતીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 32 દિવસ સુધી ચાલેલા આંદોલન બાદ સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીના 19 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. જેના પગલે રાજ્યના ખેલ સહાયકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે ખેલ સહાયકોએ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી છે.
19 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી
મળતી માહિતી મુજબ, રાજ્યમાં લાંબા સમયથી ખેલ સહાયકોની ભરતીનો પ્રશ્ન પડતર છે. અગાઉ પોતાની વિવિધ માગણીઓને લઈને ખેલ સહાયકોએ સતત 32 દિવસ સુધી આંદોલન કર્યું હતું. તે સમયે સરકાર દ્વારા તેમની માગણીઓ અંગે હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, આ ખાતરીને 19 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ખાસ કરીને કાયમી ખેલ સહાયકોની ભરતીનો મુદ્દો સૌથી વધુ મહત્વનો બન્યો છે. બજેટમાં કાયમી ખેલ સહાયકોની ભરતીની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. પરિણામે રાજ્યના કુલ 1,667 ખેલ સહાયકો ભરતીની રાહ જોઈ રહ્યા છે.
સરકાર કાયમી ભરતી અંગે સ્પષ્ટ નિર્ણય લે
આ મુદ્દે ખેલ સહાયકોએ શિક્ષણમંત્રીને રજૂઆત કરીને સરકાર સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. બજેટમાં ભરતી માટે જોગવાઈ કરવામાં આવી હોવા છતાં અમલીકરણમાં થઈ રહેલા વિલંબ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ખેલ સહાયકોની માગ છે કે સરકાર હવે વધુ વિલંબ કર્યા વિના કાયમી ભરતી અંગે સ્પષ્ટ નિર્ણય લે અને ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરે. રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને શાળાકીય સ્તરે રમતગમતની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ખેલ સહાયકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ત્યારે 1,667 ખેલ સહાયકોની ભરતીનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે અને સરકાર તેમની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Gandhinagar News: વન રક્ષક-વનપાલ કર્મચારીઓનું આંદોલન યથાવત્, વનમંત્રી સાથે કરી મુલાકાત





