Amreli News: ધારીમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે રૂપિયા 36.89 લાખની છેતરપિંડી, મહિલા ફાઈનાન્સ મેનેજર શિકાર બની

Amreli News: અમરેલી જિલ્લાના ધારીમાં ઓનલાઈન શેરબજારમાં ઊંચું વળતર મેળવવાની લાલચ એક મહિલા ફાઇનાન્સ મેનેજરને ભારે પડી છે.
Kunjan Shukla
Amreli NewsAmreli News

Amreli News

Amreli News: અમરેલી જિલ્લાના ધારીમાં ઓનલાઈન શેરબજારમાં ઊંચું વળતર મેળવવાની લાલચ એક મહિલા ફાઇનાન્સ મેનેજરને ભારે પડી છે. સાયબર ઠગોએ શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો આપવાની લાલચ આપીને મહિલા પાસેથી કુલ રૂપિયા 36.89 લાખ પડાવી લીધા હતા. રોકાણ કરેલી રકમ અને નફો પરત ન મળતાં અંતે મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે ધારી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સહિત તપાસમાં ખૂલનાર અન્ય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રોકાણકારોએ ઊંચું વળતર અને સારો નફો મળશે તેવી લાલચ આપી

મળતી માહિતી મુજબ, ધારીની અજંતા સોસાયટીમાં રહેતાં 45 વર્ષીય અરુધંતીબેન રાજીવકુમાર મુખર્જી જે.આર.વી.ડી. સ્પેસ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ફાઈનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને કોરા ટ્રેડ સ્ટોક માર્કેટ પ્લેટફોર્મમાં રોકાણ કરવાના નામે ઠગો દ્વારા વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. આરોપીઓએ મહિલાને વારંવાર વોટ્સએપ કોલ કરીને શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચું વળતર અને સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. શરૂઆતથી જ વિશ્વાસ કેળવી મહિલાને અલગ-અલગ બેન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

પૈસા અલગ-અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા

મહિલાએ આરોપીઓની વાતોમાં આવી પોતાની બચતના કુલ રૂપિયા 36.89 લાખ અલગ-અલગ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત આરટીજીએસ મારફતે પણ નાણાં મોકલવામાં આવ્યા હતા. જોકે, લાંબા સમય બાદ પણ રોકાણ કરેલી મૂળ રકમ કે તેના પર મળેલો કહેવાતો નફો પરત આપવામાં આવ્યો નહોતો. આ રીતે મહિલા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા. આ કેસમાં કોરા ટ્રેડ ફાઈનાન્સ પ્લેટફોર્મના કર્મચારી તરીકે ઓળખ આપનાર મોબાઈલ નંબરના ધારક તેમજ કાર્તિક મહેતા નામે ઓળખ આપનાર વ્યક્તિ સહિત અન્ય સંડોવાયેલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ધારી પોલીસે ગુનો નોંધી બેન્ક ખાતા અને મોબાઈલ નંબરો સહિતની વિગતોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: CNG-PNG Price Hike: વડોદરામાં દિવાળી પહેલાં મોંઘવારીનો માર, CNG-PNGના ભાવમાં વધારો, રિક્ષાચાલકોની મુશ્કેલી વધી