Jamnagar News: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, દરરોજ 8 હજાર ગુણીની આવક

Jamnagar News: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ રહી છે. દિવાળીના તહેવાર વચ્ચે પણ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.
Kunjan Shukla
Jamnagar NewsJamnagar News

Jamnagar News

Jamnagar News: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક નોંધાઈ રહી છે. દિવાળીના તહેવાર વચ્ચે પણ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. હાલ દરરોજ સરેરાશ 8,000 ગુણી મગફળીની આવક નોંધાઈ રહી છે. ખાસ વાત એ છે કે જામનગર યાર્ડમાં ખેડૂતોને અન્ય યાર્ડની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા હોવાથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મગફળી વેચવા માટે અહીં પહોંચી રહ્યા છે. હાપા યાર્ડમાં થતી કુલ મગફળીની આવકમાં આશરે 50 ટકા હિસ્સો જી-9 અને જી-66 જાતની મગફળીનો છે. આ બંને જાતની મગફળીની માગ વેપારીઓમાં વધુ જોવા મળી રહી છે.

2700 રૂપિયા સુધીના મળે છે ભાવ

ભાવની વાત કરીએ તો જી-9 મગફળીના ભાવ પ્રતિ 20 કિલો એટલે કે એક મણના રૂપિયા 1,500થી 2,700 સુધી મળી રહ્યા છે. જ્યારે જી-66 જાતની મગફળીના ભાવ રૂપિયા 1,400થી 2,300 સુધી નોંધાઈ રહ્યા છે. બીજી તરફ સામાન્ય મગફળીના ભાવ પ્રતિ મણ રૂપિયા 1,100થી 1,700 સુધી મળી રહ્યા છે. હાપા માર્કેટિંગ યાર્ડની વધુ એક ખાસિયત એ છે કે તમિલનાડુના 30થી 35 મોટા વેપારીઓ મગફળીની સીધી ખરીદી કરવા માટે જામનગર પહોંચી રહ્યા છે. આ વેપારીઓ દર વર્ષે અંદાજે 300થી 350 ટ્રક મગફળીની ખરીદી કરે છે. તેમના દ્વારા થતી ખરીદીના કારણે પણ યાર્ડમાં મગફળીના વેપારને વેગ મળી રહ્યો છે.

હાલ મોરબી, હળવદ, કેશોદ, દેવભૂમિ દ્વારકા, મહુવા અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે. દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થવાની શક્યતા છે. સાથે જ તમિલનાડુ સહિત અન્ય રાજ્યોના વેપારીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. આમ, હાપા માર્કેટિંગ યાર્ડ હાલ મગફળીના વેપારનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

આ પણ વાંચો: Amreli News: ધારીમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે રૂપિયા 36.89 લાખની છેતરપિંડી, મહિલા ફાઈનાન્સ મેનેજર શિકાર બની