Gandhinagar News: વન રક્ષક-વનપાલ કર્મચારીઓનું આંદોલન યથાવત્, વનમંત્રી સાથે કરી મુલાકાત


Gandhinagar News
Gandhinagar News: વન રક્ષક-વનપાલ કર્મચારીઓનું આંદોલન યથાવત્, વનમંત્રી સાથે કરી મુલાકાત


Gandhinagar News
Gandhinagar News: ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા એક સપ્તાહથી વન રક્ષક અને વનપાલ કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માગણીઓને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. ગ્રેડ પે, બદલી, પ્રમોશન સહિતના અનેક મુદ્દાઓનું નિરાકરણ લાવવાની માગ સાથે વન રક્ષક કર્મચારી મંડળના સભ્યો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ દરમિયાન વન રક્ષક કર્મચારી મંડળના સભ્યોએ રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માગણીઓ અને સમસ્યાઓ અંગે વનમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર, વન મંત્રીએ કર્મચારીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિભાગના સચિવને જરૂરી સૂચનાઓ આપી છે.
ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનો મુદ્દો સામેલ
કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં ફોરેસ્ટર અને આરએફઓની ખાલી જગ્યાઓ પર ભરતી કરવાનો મુદ્દો સામેલ છે. આ ઉપરાંત ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરોના ગ્રેડ પેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવાની પણ માગ કરવામાં આવી છે. વનપાલ અને વન રક્ષક કર્મચારીઓનું કહેવું છે કે લાંબા સમયથી તેમની પડતર માગણીઓનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા ઉપરાંત સમયસર બદલી અને પ્રમોશન સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ માગ ઉઠાવવામાં આવી છે.
કર્મચારી મંડળના સભ્યોની વધુ એક બેઠક યોજાવાની શક્યતા
હવે આ સમગ્ર મામલે સાંજે વિભાગના સચિવ સાથે કર્મચારી મંડળના સભ્યોની વધુ એક બેઠક યોજાવાની શક્યતા છે. આ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે અને કોઈ નક્કર નિર્ણય આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, કર્મચારી મંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની તમામ પડતર માગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ રાખવામાં આવશે. હવે વિભાગના સચિવ સાથેની બેઠક બાદ સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો: ABVP ULTIMATUM: વિદ્યાર્થીઓના પાંચ પ્રશ્નો ઉકેલવા સાત દિવસનું આપ્યું અલ્ટિમેટમ





