GMC Elections 2026 : પેથાપુરની કુમાર શાળા નંબર-2માં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પોલીસ બની સક્રિય


GMC Elections 2026
GMC Elections 2026 : પેથાપુરની કુમાર શાળા નંબર-2માં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પોલીસ બની સક્રિય


GMC Elections 2026
GMC Elections 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ પેથાપુરની કુમાર શાળા નંબર-2 ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં હોબાળો મચી ગયો હતો. મતદાનને લઈને સર્જાયેલી આ બબાલના પગલે સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી હતી.
મોબાઈલ ઝૂંટવી લેવા બાબતે વિવાદ સર્જાયો
મળતી માહિતી મુજબ, ગાંધીનગર મનપાના વોર્ડ નંબર-2માં મોબાઈલ ઝૂંટવી લેવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આ મામલે બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં શાળા પરિસરમાં હોબાળો થયો હતો. ઘટનાને પગલે પોલીસ સક્રિય બની હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવતાં પોલીસની સક્રિયતા પણ વધી હતી. ચૂંટણી દરમિયાન બનેલી આ ઘટનાને કારણે મતદાન મથક પર થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
3 વાગ્યા સુધીમાં કુલ 44.13 ટકા મતદાન નોંધાયું
બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 44.13 ટકા મતદાન નોંધાયું હતું. મતદાનના આંકડા મુજબ, વોર્ડ નંબર-4માં સૌથી વધુ 57.27 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વોર્ડ નંબર-5માં સૌથી ઓછું 35.55 ટકા મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 1,14,733 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જોકે અલગ-અલગ વોર્ડમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે.
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે. તેથી અંતિમ કલાકોમાં મતદાનની ટકાવારીમાં વધારો થવાની શક્યતા છે. હવે સૌની નજર દિવસના અંતે નોંધાનારા કુલ મતદાનના આંકડા પર રહેશે. સાથે જ પેથાપુરમાં થયેલા હોબાળા બાદ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ અને ચૂંટણી તંત્રની કામગીરી મહત્ત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો : Surat : દિવાળી પર વતન જવા માટે GSRTCની 1600 એક્સ્ટ્રા બસો દોડશે, જરૂર પડશે તો 2500 બસની વ્યવસ્થા કરાશે: DyCM હર્ષ સંઘવી





