Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પર ભરોસો મૂકવા બદલ ગુજરાતની જનતાનો આભાર : જગદીશ વિશ્વકર્મા


Gandhinagar
Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પર ભરોસો મૂકવા બદલ ગુજરાતની જનતાનો આભાર : જગદીશ વિશ્વકર્મા


Gandhinagar
Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલી સફળતા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપ પર ભરોસો મૂકીને વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. આ પરિણામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના કાર્યનું પ્રતિબિંબ છે.
મા જગદંબાના આશીર્વાદ ભાજપને મળ્યા
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, નવરાત્રિના પર્વ દરમિયાન પ્રથમ નવરાત્રીએ મતદાન થયું હતું અને મા જગદંબાના આશીર્વાદ ભાજપને મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણનાં 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેમણે કહ્યું કે, જનતાએ ભાજપને આપેલો જનાદેશ આ સેવા અને સમર્પણની ભાવનાને મળેલી સ્વીકૃતિ છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. નગરપાલિકાઓની પેટાચૂંટણીઓમાં પણ ભાજપના ઉમેદવારોની જીતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, વિવિધ વિસ્તારોમાં કમળ ખીલ્યું છે. ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી વિકાસને સમર્થન આપી રહી છે અને આ ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર એ બાબત સાબિત કરી છે.
ભ્રામક પ્રચાર કરનારાઓને પણ મતદારોએ અરીસો દેખાડ્યો
ગાંધીનગર અંગે વાત કરતાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમિત શાહ સતત ગાંધીનગરની ચિંતા કરે છે અને વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. તેમના પ્રયાસોનું પરિણામ પણ ચૂંટણીમાં જોવા મળ્યું છે. વિપક્ષ પર આડકતરો કટાક્ષ કરતાં જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, વરસાદના સમયે દેડકાની જેમ બહાર આવી જતા લોકોને જનતાએ જવાબ આપી દીધો છે. તેમણે ઉમેર્યું કે, ભ્રામક પ્રચાર કરનારાઓને પણ મતદારોએ અરીસો દેખાડ્યો છે અને વિપક્ષને તેની જગ્યા બતાવી દીધી છે. અંતમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જનતાના વિશ્વાસને જાળવી રાખીને વિકાસના કાર્યો આગળ વધારવામાં આવશે.





