Kali Chaudas 2026: ગાંધીનગરના ડભોડા હનુમાનજી મંદિરે કાળી ચૌદશનો ભવ્ય મહામેળો, 10 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

Kali Chaudas 2026: ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડા સ્વયંભૂ હનુમાનજી મંદિર ખાતે ધનતેરસ અને કાળી ચૌદશના પાવન અવસરે ભવ્ય મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
Kali Chaudas 2026Kali Chaudas 2026

Kali Chaudas 2026

Kali Chaudas 2026: ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ડભોડા સ્વયંભૂ હનુમાનજી મંદિર ખાતે ધનતેરસ અને કાળી ચૌદશના પાવન અવસરે ભવ્ય મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાળી ચૌદશના પવિત્ર દિવસે હનુમાનજીના દર્શન કરવા માટે ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મોડી રાતથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ વહેલી સવાર સુધી સતત ચાલુ રહ્યો હતો. અંદાજ મુજબ 10 લાખથી વધુ ભાવિક ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર જય હનુમાનના નાદથી ગુંજી ઊઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.

1111 તેલના ડબ્બાથી હનુમાનજીનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો

કાળી ચૌદશ નિમિત્તે મંદિર ખાતે 1111 તેલના ડબ્બાથી હનુમાનજીનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. આશરે 1000 વર્ષ જૂની મંદિરની ધાર્મિક પરંપરાને મંદિર ટ્રસ્ટ દ્વારા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે શનિવાર અને કાળી ચૌદશનો વિશેષ સંયોગ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 141 વર્ષ બાદ શનિવારે કાળી ચૌદશનો સંયોગ આવ્યો હોવાની ચર્ચા વચ્ચે દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કાળી ચૌદશના આગલા દિવસે એટલે કે 6 નવેમ્બરની રાત્રે મંદિર ખાતે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી

રાત્રિ આરતી બાદ પ્રથમ વખત વિશેષ લેસર ડ્રો શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે વિશેષ આકર્ષણ બન્યો હતો. ધાર્મિક કાર્યક્રમોની સાથે રાત્રે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું હતું. વહેલી સવારથી જ મંદિર ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોને સુવિધા મળી રહે તે માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા ખાસ રિક્ષાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આમ, ડભોડા હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશનો મહામેળો શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ઉત્સાહના અનોખા સંગમ સાથે સંપન્ન થયો હતો.

આ પણ વાંચો: Kali Chaudas 2026 : સાળંગપુરધામમાં કાળી ચૌદશની ભવ્ય ઉજવણી, હજારો ભક્તોએ કષ્ટભંજનદેવના દર્શન કરી સમૂહ યજ્ઞનો લાભ લીધો