Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar : મહેસૂલી કર્મચારીઓની હડતાળ મોકૂફ, સરકાર રચશે વિશેષ કમિટી

Gandhinagar : મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને ચાલી રહેલી હડતાળ વચ્ચે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે.
Kunjan ShuklaUpdated on: 08 Oct 2026 08:44 PM IST
Gandhinagar : મહેસૂલી કર્મચારીઓની હડતાળ મોકૂફ, સરકાર રચશે વિશેષ કમિટીGandhinagar : મહેસૂલી કર્મચારીઓની હડતાળ મોકૂફ, સરકાર રચશે વિશેષ કમિટી

Gandhinagar

Gandhinagar : મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને ચાલી રહેલી હડતાળ વચ્ચે રાજ્ય સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. ગ્રેડ-પે સહિતની માગણીઓના ઉકેલ માટે સરકાર દ્વારા વિશેષ કમિટી રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ અભિગમ બાદ મહેસૂલી કર્મચારી મંડળે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

પડતર માગણીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની હાજરીમાં મહેસૂલી કર્મચારી મંડળના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કર્મચારીઓની પડતર માગણીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિની અધ્યક્ષતામાં વિશેષ કમિટી રચવાનો નિર્ણય લીધો છે. આ કમિટી મહેસૂલી કર્મચારીઓની ગ્રેડ-પે સહિતની વિવિધ પડતર માગણીઓ અંગે વિસ્તૃત અભ્યાસ અને ચર્ચા કરશે.

ગંભીરતાથી વિચારણા કરવાની ખાતરી આપી

કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે કમિટી વિવિધ સંબંધિત વિભાગો સાથે સંકલન કરશે અને પ્રશ્નોનો કાયમી તથા દૂરગામી ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત, કર્મચારી મંડળના પ્રતિનિધિઓ સાથે કમિટી સ્તરે નિયમિત સંવાદ જાળવવામાં આવશે. બેઠક દરમિયાન સરકારે કર્મચારીઓની માગણીઓ અંગે ગંભીરતાથી વિચારણા કરવાની ખાતરી આપી હતી. સરકારના હકારાત્મક અભિગમને મહેસૂલી કર્મચારી મંડળના અગ્રણીઓએ આવકાર્યો હતો.

સરકાર સાથેની બેઠક બાદ કર્મચારી મંડળે હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. પરિણામે હવે આવતીકાલથી મહેસૂલી કર્મચારીઓ રાબેતા મુજબ પોતાની ફરજ પર પરત ફરશે. આ નિર્ણયથી મહેસૂલ વિભાગની કામગીરી ફરી સામાન્ય બનવાની સાથે નાગરિકોને મળતી વિવિધ મહેસૂલી સેવાઓ પણ સુચારૂ રીતે ચાલુ થવાની શક્યતા છે. હવે વિશેષ કમિટી દ્વારા કર્મચારીઓની પડતર માગણીઓ અંગે ક્યારે અને શું નિર્ણય લેવામાં આવે છે, તેના પર કર્મચારીઓની નજર રહેશે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર થશે મંથન

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.