Gram Panchayat Election: ગાંધીનગર અને દહેગામની ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેર

Gram Panchayat Election: ગાંધીનગર અને દહેગામની 138 ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેર કરાયું. 27 ટકા SEBC અનામત મુજબ ફાળવણી કરાઈ.
Kunjan Shukal
Kunjan Shukal
ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેરગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેર

ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેર

Gram Panchayat Election: ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અને દહેગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોના રોટેશન અને અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલે દ્વારા સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

અનામતની જોગવાઈને ધ્યાનમાં રાખીને બેઠકોનું રોટેશન નક્કી કરવામાં આવ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2011ની વસતી ગણતરીને આધાર બનાવી સરપંચની બેઠકોનું વર્ગીકરણ અને ફાળવણી કરવામાં આવી છે. જેમાં 27 ટકા SEBC અનામતની જોગવાઈને ધ્યાનમાં રાખીને બેઠકોનું રોટેશન નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી આગામી ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા બંને તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની અનામત સ્થિતિ સ્પષ્ટ થઈ છે. જાહેર કરાયેલી ફાળવણીમાં દહેગામ તાલુકાની કુલ 84 ગ્રામ પંચાયતો અને ગાંધીનગર તાલુકાની 54 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠકોનું વર્ગીકરણ પરિશિષ્ટ મુજબ કરવામાં આવ્યું છે.

ગ્રામ પંચાયત તેમજ તાલુકા કક્ષાએ નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવશે

આદેશ અનુસાર સરપંચની બેઠકો સામાન્ય, મહિલા અને વિવિધ અનામત વર્ગો હેઠળ ફાળવવામાં આવી છે. રોટેશનની આ પ્રક્રિયા દ્વારા અગાઉની ફાળવણીને ધ્યાનમાં રાખીને બેઠકોનું નવું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેથી ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી અનામત વ્યવસ્થા નક્કી થઈ શકે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ફાળવણીની યાદી સંબંધિત દરેક ગ્રામ પંચાયત તેમજ તાલુકા કક્ષાએ નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

જેથી ગ્રામજનો, સંભવિત ઉમેદવારો અને સંબંધિત પક્ષો પોતાના ગામમાં સરપંચની બેઠક કયા વર્ગ માટે અનામત રાખવામાં આવી છે તેની માહિતી મેળવી શકશે. આમ, ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર અને દહેગામ તાલુકામાં સરપંચની બેઠકોનું રોટેશન જાહેર થતાં સ્થાનિક સ્તરે ચૂંટણીલક્ષી પ્રક્રિયાને વેગ મળ્યો છે.

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2027 : વાયબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓ તેજ, CM ભૂપેન્દ્ર પટેલે GIFT સિટીની મુલાકાત લઈ કરી સમીક્ષા