Dang Farmers Protest: ડાંગમાં પાક નુકસાન વળતર મુદ્દે આંદોલનના મંડાણ, સામાજિક આગેવાન મહેશ આહીર ભૂખ હડતાળ પર બેઠા


ડાંગમાં પાક નુકસાન વળતર મુદ્દે આંદોલનના મંડાણ
Dang Farmers Protest: ડાંગમાં પાક નુકસાન વળતર મુદ્દે આંદોલનના મંડાણ, સામાજિક આગેવાન મહેશ આહીર ભૂખ હડતાળ પર બેઠા


ડાંગમાં પાક નુકસાન વળતર મુદ્દે આંદોલનના મંડાણ
Dang Farmers Protest: ડાંગ જિલ્લામાં ખેડૂતોના પાક નુકસાનના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાક નુકસાનના સર્વે અને યોગ્ય વળતરની માગ સાથે સામાજિક આગેવાન મહેશ આહીરે આજથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે. ખેડૂતોને ન્યાય મળે અને તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તે માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે.
ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા
ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે આશરે 100 ઈંચ વરસાદ નોંધાયો હોવા છતાં પાણીના અભાવે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય પાક નાગલીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદના સારા પ્રમાણ છતાં પાકને નુકસાન થતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ડાંગ જિલ્લામાં પાક નુકસાન અંગે હજુ સુધી યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂતોને નુકસાન થયું હોવા છતાં વળતર પ્રક્રિયા શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
સામાજિક આગેવાન મહેશ આહીરે અગાઉ મુખ્યમંત્રીને રીમાઈન્ડર આવેદનપત્ર પાઠવી ખેડૂતોની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે તેમણે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આંદોલનકારીઓએ માગ કરી છે કે ડાંગ જિલ્લામાં તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને હેક્ટરદીઠ યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
ખેડૂતોને સમયસર આર્થિક સહાય મળે અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ આવે તે માટે સરકાર તાત્કાલિક પગલાં લે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે. ડાંગના ખેડૂતોના પાક નુકસાનનો મુદ્દો હવે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તંત્ર અને સરકાર આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે તેના પર ખેડૂતોની નજર છે.




