Ankleshwar : પાનોલીમાં ગૌવંશના કટિંગનો આક્ષેપ, 5 શખ્સ ઝડપાયા, 510 કિલો માંસ જપ્ત


Ankleshwar
Ankleshwar : પાનોલીમાં ગૌવંશના કટિંગનો આક્ષેપ, 5 શખ્સ ઝડપાયા, 510 કિલો માંસ જપ્ત


Ankleshwar
Ankleshwar : અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલી ગામના ટેકરા ફળિયામાં આવેલા એક મકાનમાં દરોડો પાડી ગૌવંશના કટિંગનો આક્ષેપ ધરાવતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી એક ગાય અને એક બળદને પણ મુક્ત કરાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડ્યા
પોલીસને બાતમી મળી હતી કે પાનોલી ગામના ટેકરા ફળિયામાં આવેલા એક મકાનમાં મહંમદ સલમાન મહંમદ સઈદ દીવાન, તેનો ભાઈ મહંમદ સાહિલ સઈદ દીવાન તેમજ અન્ય શખ્સો ગૌવંશના કટિંગની કામગીરી કરી રહ્યા છે. બાતમીના આધારે પાનોલી પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે 510 કિલો ગૌમાંસ મળી આવ્યું હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત ચાર છરી, પાંચ મોટા છરા, ઈલેક્ટ્રિક વજનકાંટા સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત રૂ. 82,000થી વધુ હોવાનું જણાવ્યું છે.
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે આ મામલે મહંમદ સલમાન મહંમદ સઈદ દીવાન, મહંમદ સાહિલ સઈદ દીવાન, જીતેશ રમણ વસાવા, વિપુલ રમેશ વસાવા અને દલસુખ રણજિત વસાવાની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ સામે સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી એક ગાય અને એક બળદને પણ મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ બંને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી મહંમદ સલમાન મહંમદ સઈદ દીવાન વિરુદ્ધ અગાઉ પણ પશુ ઘાતકી સંબંધિત ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ પ્રવૃત્તિ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gujarat સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો પ્રારંભ, રાજ્યભરમાં ચાર તબક્કામાં યોજાશે સ્પર્ધા





