Gujarat સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો પ્રારંભ, રાજ્યભરમાં ચાર તબક્કામાં યોજાશે સ્પર્ધા



Gujarat Cultural Elocution Competition 2026
Gujarat સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો પ્રારંભ, રાજ્યભરમાં ચાર તબક્કામાં યોજાશે સ્પર્ધા



Gujarat Cultural Elocution Competition 2026
Gujarat Cultural Elocution Competition 2026: ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026 (GSVS-2026)નો પ્રારંભ કરાવ્યો છે. રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ રાજ્યવ્યાપી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા તથા સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક ઉદય માહુરકર જોડાયા હતા. વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.

ચાર તબક્કામાં યોજાશે સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા
GSVS-2026નો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના સંવર્ધન સાથે વક્તૃત્વ કળા, વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્યનો વિકાસ કરવાનો છે. આ માટે રાજ્યની સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સ્પર્ધા વર્ગકક્ષા, કોલેજ, ઝોનલ અને રાજ્યકક્ષા એમ ચાર તબક્કામાં યોજાશે. વર્ગકક્ષાએ ત્રણ મિનિટના સ્ક્રિનિંગ રાઉન્ડ બાદ દરેક વર્ગમાંથી ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

11 ઝોનમાં યોજાશે ઝોનલ કક્ષાની સ્પર્ધા
કોલેજ કક્ષાની સ્પર્ધા બાદ દરેક ફેકલ્ટીમાંથી એક વિદ્યાર્થીની ઝોનલ કક્ષા માટે પસંદગી કરવામાં આવશે. રાજ્યમાં કુલ 11 ઝોનમાં ઝોનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. ઝોનલ કક્ષાના વિજેતાઓમાંથી 20 ટકા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની ફાઈનલ માટે પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા દરેક વિદ્યાર્થીને રૂ. 11 હજાર, ‘સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત’ની ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. કોલેજ કક્ષાના પ્રથમ વિજેતાને રૂ. 1,100નું પુરસ્કાર, બેસ્ટ સ્પીકર ઓફ કોલેજની ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

રાજ્યકક્ષાના વિજેતાને રૂ. 1 લાખનું ઇનામ
રાજ્યકક્ષાનો ફાઈનલ રાઉન્ડ શિબિરના સ્વરૂપમાં યોજાશે. તેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ નિર્ધારિત વિષયો પર વક્તવ્ય અને ચર્ચામાં ભાગ લેશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. 1 લાખ, દ્વિતીય વિજેતાને રૂ. 71 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 51 હજારનું પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાતની ટ્રોફી અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.
નશામુક્ત ભારતથી લઈને બંધારણીય ફરજો સુધીના વિષયો
સ્પર્ધા માટે નક્કી કરવામાં આવેલા વિષયોમાં નશામુક્ત ભારત અભિયાન અને સ્વચ્છ સાયબર ભારત મિશન, વિકસિત ભારત @ 2047 અને આત્મનિર્ભર ભારત, સંસ્કૃતિ અને સંસ્કાર, ક્રોધના કડવા ફળ તથા ભારતીય નાગરિક તરીકેની ફરજો અને બંધારણની કલમ 51(ક) જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ સ્પર્ધા માત્ર વક્તૃત્વ સ્પર્ધા નહીં પરંતુ યુવાશક્તિમાં સંસ્કૃતિ પ્રત્યે આદર, ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના વિકસાવવા માટેનું પ્લેટફોર્મ છે. તેમણે યુવાનોમાં જ્ઞાનની સાથે વિનય, વિવેક, સુશીલતા અને સંસ્કારનું સિંચન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમના જણાવ્યા મુજબ, સાંસ્કૃતિક ધરોહરને મજબૂત બનાવવામાં યુવાશક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને વક્તૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વિચારોની અભિવ્યક્તિ તથા આત્મવિશ્વાસને પ્રોત્સાહન મળશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





