Chhota Udaipur News: છોટાઉદેપુરમાં 72 કલાક રોકાણ કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિવાસી પરિવારો સાથે કરશે ભોજન

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના 72 કલાકના રોકાણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
Kunjan Shukal
Kunjan Shukal
છોટાઉદેપુરમાં 72 કલાક રોકાણ કરશે DyCM હર્ષ સંઘવીછોટાઉદેપુરમાં 72 કલાક રોકાણ કરશે DyCM હર્ષ સંઘવી

છોટાઉદેપુરમાં 72 કલાક રોકાણ કરશે DyCM હર્ષ સંઘવી

Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના 72 કલાકના રોકાણને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાવીજેતપુર વિધાનસભા વિસ્તારના બોડેલી અને કવાંટ તાલુકાના વિવિધ વિસ્તારોમાં હર્ષ સંઘવી 72 કલાક રોકાણ કરશે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓ 72 કલાક રોકાણ કરે તેવો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને લઈને જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરાશે

જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોની પરિસ્થિતિ સમજવા અને સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાના હેતુથી મંત્રીઓના 72 કલાકના રોકાણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત હર્ષ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. રોકાણ દરમિયાન હર્ષ સંઘવી કનાળી ખાતે આવેલી એકલવ્ય મોડેલ કોલેજની મુલાકાત લેશે અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સુવિધાઓ અને તેમની સમસ્યાઓ અંગે પણ જાણકારી મેળવશે.

સ્થાનિક લોકોમાં નવી આશા અને ઉત્સુકતા

આ ઉપરાંત કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે પણ તેઓ મુલાકાત લેશે. આદિવાસી વિસ્તારના યુવાનો સાથે સમય વિતાવી તેમની સાથે વોલીબોલ પણ રમશે. મંત્રીના આ કાર્યક્રમમાં રમતગમત અને યુવાનો સાથેના સંવાદને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ મુલાકાતની ખાસ વાત એ છે કે DyCM હર્ષ સંઘવી આદિવાસી સમાજના એક પરિવારના ઘરે ભોજન પણ લેશે. આ ઉપરાંત સ્થાનિક લોકો અને સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી વિસ્તારની સમસ્યાઓ અને વિકાસલક્ષી જરૂરિયાતો અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે.

આદિવાસી વિસ્તારોમાં મંત્રીઓના 72 કલાકના રોકાણના આ કાર્યક્રમથી સ્થાનિક લોકોમાં નવી આશા અને ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે હર્ષ સંઘવીના રોકાણ દરમિયાન કયા સ્થાનિક પ્રશ્નો સામે આવે છે અને તેના નિરાકરણ માટે કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Surat Bus Fire: SMCની સિટી બસમાં લાગી ભીષણ આગ! મુસાફરો અને ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી બચાવ્યો જીવ