Diwali 2026: કચ્છની સરહદે BSF જવાનો સાથે સાંસદ વિનોદ ચાવડાએ ઉજવી દિવાળી, 500 કિલો મીઠાઈનું કર્યું વિતરણ


Diwali 2026
Diwali 2026: કચ્છની સરહદે BSF જવાનો સાથે સાંસદ વિનોદ ચાવડાએ ઉજવી દિવાળી, 500 કિલો મીઠાઈનું કર્યું વિતરણ


Diwali 2026
Diwali 2026: દેશભરમાં લોકો પરિવારજનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત BSFના જવાનો પણ ફરજ નિભાવી રહ્યા છે. આવા જવાનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચવા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજ સ્થિત BSF સેક્ટર હેડક્વાર્ટર ખાતે દિવાળીની ઉજવણી કરી હતી.
સાંસદ વિનોદ ચાવડાએ BSFના જવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ BSFના જવાનોને મીઠાઈનું વિતરણ કર્યું હતું અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છની સંવેદનશીલ ક્રિક અને રણ સરહદ પર આવેલી આશરે 90 બોર્ડર આઉટ પોસ્ટ (BOP) પર ફરજ બજાવતા જવાનો માટે અંદાજે 500 કિલો મીઠાઈ મોકલવામાં આવી હતી. આ પહેલથી સરહદ પર તૈનાત જવાનો સુધી દિવાળીની મીઠાશ અને ખુશીઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દેશની રક્ષા માટે ખડેપગે રહેતા જવાનો માટે આ ઉજવણી ખાસ બની
પોતાના પરિવાર અને વતનથી દૂર રહીને તહેવારોના દિવસોમાં પણ દેશની રક્ષા માટે ખડેપગે રહેતા જવાનો માટે આ ઉજવણી ખાસ બની રહી હતી. દિવાળીના પર્વે જવાનોને પરિવાર જેવો માહોલ મળે અને તેઓ પણ તહેવારની ખુશીઓનો અનુભવ કરી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ઉજવણી દરમિયાન BSFના જવાનોએ ફટાકડા ફોડી અને આતશબાજી કરીને દિવાળીના પર્વની ખુશીઓ વ્યક્ત કરી હતી. સાંસદ વિનોદ ચાવડા દ્વારા દર વર્ષે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે પણ તેમણે જવાનો સાથે સમય વિતાવી તેમની વચ્ચે તહેવારની ખુશીઓ વહેંચી હતી. એક તરફ દેશવાસીઓ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે, તો બીજી તરફ સરહદ પર તૈનાત જવાનો દેશની સુરક્ષા માટે અડીખમ ઊભા છે. આવા જવાનો સાથે તહેવારની ઉજવણી કરીને તેમની ફરજ અને સમર્પણ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




