Gujarat Latest News: ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે થશે કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Latest News: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
health minister of gujarat praful pansheriyahealth minister of gujarat praful pansheriya

health minister of gujarat praful pansheriya

Gujarat Latest News: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. સુરત ખાતેથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા ઉત્પાદકો સામે કાયદેસરના કેસ કરવામાં આવશે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ખાસ કરીને ડુપ્લિકેટ ઘી, એનાલોગ પનીર, ચીઝ, બટર, ટોમેટો સોસ, કેરીનો રસ અને પામ ઓઈલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીઓ અને એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકના રેપર પર માત્ર 'ઘી' લખીને પામ ઓઈલ જેવા ઉત્પાદનોનું વેચાણ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા ઉત્પાદકો સામે પણ કાયદેસરના કેસ કરવામાં આવશે. આવા વેપારીઓ અને ઉત્પાદકોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.

બેઠકમાં વિવિધ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ રહ્યા હાજર

આ ઉપરાંત હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટ્રીટમાં સ્વચ્છતાના ધોરણો તથા SOPનું ચુસ્ત પાલન કરાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સીલ ખોલીને માલની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓ સામે પોલીસના સહયોગથી FIR નોંધવાની પણ સૂચના આપવામાં આવી છે. બેઠક દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગ અને દંડાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ રાજ્યની આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા અને ઈમરજન્સી સેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીના માપદંડોમાં ગુજરાત આગામી સમયમાં સમગ્ર દેશ માટે રોલ મોડલ બનશે. બેઠકમાં વિવિધ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Diwali 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને દિવાળી પર્વ અને નૂતન વર્ષની પાઠવી શુભેચ્છાઓ