Bhuj Fire Incidents: ભુજમાં દિવાળીની રાત્રે આગના 40 બનાવથી ફાયર વિભાગ દોડતું થયું, 47 જવાનો આખી રાત ખડે પગે રહ્યા

Bhuj Fire Incidents: દિવાળીની રાત્રે ભુજ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં એક પછી એક કુલ 40 ફાયર કોલ નોંધાતાં ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Bhuj Fire IncidentsBhuj Fire Incidents

Bhuj Fire Incidents

Bhuj Fire Incidents: કચ્છના ભુજ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. દિવાળીની રાત્રે ભુજ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં એક પછી એક કુલ 40 ફાયર કોલ નોંધાતાં ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે તમામ સ્થળોએ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. રાહતની વાત એ છે કે આ તમામ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આગ લાગવાની કુલ 40 ફરિયાદો મળી

મળતી માહિતી મુજબ, દિવાળીની રાત્રે રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમમાં આગ લાગવાની કુલ 40 ફરિયાદો મળી હતી. આ બનાવોમાં મુખ્યત્વે ઝાડી-ઝાંખરા, ભંગારના વાડા અને વાહનોમાં આગ લાગવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. ફટાકડાની ઉજવણી વચ્ચે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગના બનાવો બનતાં ફાયર વિભાગ સતત કામગીરીમાં વ્યસ્ત રહ્યું હતું.

વાહનોમાં આગ લાગવાનો બનાવ પણ નોંધાયો

શહેરના ગંગેશ્વર રોડ, હમીરસર લેકવ્યુ, ચંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ઝાડી-ઝાંખરા અને અન્ય સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત નાગોર રોડ પર આવેલા ભંગારના વાડામાં આગ લાગી હતી. જ્યારે મિરજાપર ચાર રસ્તા પાસે વાહનોમાં આગ લાગવાનો બનાવ પણ નોંધાયો હતો. આગના બનાવોની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી.

આગના તમામ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નહોતી

દિવાળીના તહેવાર દરમિયાન આગના બનાવોને પહોંચી વળવા ભુજ ફાયર વિભાગના 47 જવાનોની ટીમ આખી રાત ખડે પગે રહી હતી. અલગ-અલગ સ્થળોએ આગ લાગવાની જાણ થતાં જ ફાયર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ફાયર વિભાગની સતત સતર્કતા, સમયસરની કામગીરી અને જવાનોની મહેનતને કારણે આગના તમામ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, દિવાળીની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડતી વખતે નાગરિકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. નાની બેદરકારી પણ મોટી આગનું કારણ બની શકે છે.

આ પણ વાંચો: Bank Bomb Threat : સુરત-વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈમેઇલથી પોલીસ તંત્ર દોડતું થયું