Bank Bomb Threat : સુરત-વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈમેઇલથી પોલીસ તંત્ર દોડતું થયું

Bank Bomb Threat : ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે. સુરત અને વડોદરા શહેરની બેંક શાખાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળતાં પોલીસ એલર્ટ થઈ.
Vivek Shah
Vivek Shah
Bank Bomb Threat બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીBank Bomb Threat બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bank Bomb Threat બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Bank Bomb Threat : બેંક ઓફ બરોડા (BOB) અને બેંક ઓફ ઈન્ડિયા (BOI)ની શાખાઓને ધમકી મળતાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસનો કાફલો તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સુરતમાં પોશ ગણાતા ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને અજાણ્યા શખસ દ્વારા ધમકીભર્યો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો.

બેંકના સત્તાવાર ઈમેઇલ પર બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી મળતાં બેંક સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી. બેંક દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે તપાસ કરી શરૂ

સુરક્ષાના ભાગરૂપે બેંકમાં હાજર કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે બેંકના વિવિધ ભાગોમાં સઘન તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યા ઈમેઇલને પગલે આસપાસના વિસ્તારમાં પણ તકેદારી રાખવામાં આવી હતી.

બીજી તરફ, વડોદરા શહેરમાં પણ બેંકની શાખાઓને નિશાન બનાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

સૂરજ પ્લાઝા સ્થિત બેંક ઓફ બરોડાના મેનેજર એસ.કે. ત્યાગીના જણાવ્યા અનુસાર, બેંકના Gmail એકાઉન્ટ પર અજાણ્યા શખસે ધમકીભર્યો ઈમેઇલ મોકલ્યો હતો. આ અંગે સયાજીગંજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને સ્થળે સુરક્ષાનાં પગલાં લીધાં હતાં અને કર્મચારીઓ તથા ગ્રાહકોને બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. હાલ સાયબર ક્રાઈમની મદદથી ધમકીભર્યા ઈમેઇલ મોકલનારની ઓળખ અને ઈમેઇલના સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી છે.

અગાઉ ગુજરાતમાં હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળ્યા હોવાની ઘટના સામે આવી હતી. હવે બેંક શાખાઓને મળેલી ધમકીઓથી સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

આ પણ વાંચો : Government Schemes : મંત્રી પ્રદ્યુમન વાજાની અનોખી દિવાળી પહેલ, ડિજિટલ કાર્ડમાં દીવો પ્રગટાવતાં મળશે સરકારી યોજનાઓની માહિતી