Bhavnagar News : ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, અત્યાર સુધી 42 આરોપીને જેલ હવાલે કરાયા



Bhavnagar News
Bhavnagar News : ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં વધુ એક આરોપીની કરાઈ ધરપકડ, અત્યાર સુધી 42 આરોપીને જેલ હવાલે કરાયા



Bhavnagar News
Bhavnagar News : આ કેસમાં વધુ એક આરોપી લાડુલાલ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલની રાજસ્થાનના ભીલવાડામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ સાથે લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 42 પર પહોંચી છે. ગુજરાત લાવવામાં આવેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસે અત્યાર સુધી 42 આરોપીને ઝડપ્યા
ગૌતમ સોલંકી સહિતના કેટલાક શખ્સો ભેગા મળીને ડુપ્લીકેટ દારૂ બનાવતા હોવાનો આરોપ છે. આ નકલી દારૂનું સેવન કરવાના કારણે ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં ઝડપાયેલો લાડુલાલ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલ ગૌતમ સોલંકીના ઘરે ડુપ્લીકેટ દારૂ બનાવવાની કામગીરી કરતો હોવાનો તપાસમાં ખુલાસો થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
જોકે, લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યા બાદ ગણેશ ખારોલ ગુજરાત છોડીને ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન એવો પણ આક્ષેપ સામે આવ્યો છે કે ગુજરાતમાંથી ફરાર થયા બાદ ગણેશ ખારોલે અન્ય કેટલાક લોકોને ફોન કરીને પુરાવાનો નાશ કરી દેવા જણાવ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી હતી.
SMCની ટીમે રાજસ્થાન એટીએસની મદદ મેળવી હતી
આરોપી રાજસ્થાનમાં હોવાની માહિતી મળતાં SMCની ટીમે રાજસ્થાન એટીએસની મદદ મેળવી હતી. બંને એજન્સીઓના સંકલનથી રાજસ્થાનના ભીલવાડામાંથી ગણેશ ખારોલને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ગુજરાત લાવવામાં આવ્યો હતો અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તપાસ એજન્સીની રજૂઆતને ધ્યાનમાં રાખીને આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હવે રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સી આરોપીની પૂછપરછ કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા, તેમાં સંડોવાયેલા અન્ય લોકો અને પુરાવાનો નાશ કરવાના આક્ષેપ સહિતના મુદ્દાઓ અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થતાં તપાસનો વ્યાપ આગળ વધ્યો છે. અત્યાર સુધીમાં કુલ 42 આરોપીઓની ધરપકડ થઈ હોવાનું જણાવાયું છે. હવે ગણેશ ખારોલની પૂછપરછમાં આ કેસને લગતી બીજી કઈ વિગતો સામે આવે છે અને તપાસમાં અન્ય કોણનાં નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




