Bhavnagar News: બગદાણા નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 70 વર્ષીય વૃદ્ધનું મોત


Bhavnagar News
Bhavnagar News: બગદાણા નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 70 વર્ષીય વૃદ્ધનું મોત


Bhavnagar News
Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બગદાણા નજીક કાર અને થ્રી-વ્હીલ ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા
મળતી માહિતી અનુસાર, બગદાણા નજીક કાર અને થ્રી-વ્હીલ ટેમ્પો વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ રાળગોન ગામના 70 વર્ષીય વજાભાઈ દેવજીભાઈ મકવાણાને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસ પણ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી
બીજી તરફ, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય ચાર લોકોને સારવાર આપવામાં આવી રહી છે. તે પૈકી એક ઈજાગ્રસ્તની સ્થિતિ વધુ ગંભીર જણાતાં તબીબોએ વધુ સારવાર માટે ભાવનગર રિફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બંને વાહનો વચ્ચે ટક્કર થવાનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બગદાણા નજીક સર્જાયેલા આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થતા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસની તપાસ બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવશે.




