Ankleshwar : પંડવાઈ સુગર ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલનો દબદબો, 16માંથી 14 બેઠકો બિનહરીફ થઈ



Ankleshwar
Ankleshwar : પંડવાઈ સુગર ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલનો દબદબો, 16માંથી 14 બેઠકો બિનહરીફ થઈ



Ankleshwar
Ankleshwar : રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલનો ચૂંટણીમાં દબદબો જોવા મળ્યો છે. કુલ 16 ઝોનમાંથી 14 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
પંડવાઈ સુગરની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ ઝોન માટે કુલ 33 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સૌની નજર 5 સપ્ટેમ્બરે યોજાનારા બે ઝોનના મતદાન પર રહેશે.
પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 ઝોનમાં સહકાર પેનલ સામે કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવાર ન રહેતાં આ બેઠકો પર મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. હવે માત્ર બે બેઠકો પર મતદાન યોજાવાનું બાકી છે.
ઝોન નંબર 8, કદરામા તેમજ અનુસૂચિત જનજાતિ એટલે કે ST અનામત ઝોનની બેઠક પર આગામી 5 સપ્ટેમ્બરે મતદાન યોજાશે. આ બે બેઠકોના પરિણામ બાદ પંડવાઈ સુગરની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાનો વિષય ઈશ્વરસિંહ પટેલ અને તેમના સગા ભાઈ વલ્લભ પટેલ વચ્ચેની ઉમેદવારીને લઈને રહ્યો હતો.
ઈશ્વરસિંહ પટેલના રાજકીય અને સહકારી ક્ષેત્રના વર્ચસ્વની ચર્ચા ફરી તેજ બની
મળતી માહિતી મુજબ, ઈશ્વરસિંહ પટેલ દ્વારા વલ્લભ પટેલની ઉમેદવારી સામે વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી. વલ્લભ પટેલ આ વાંધા અરજીનો સંતોષકારક જવાબ રજૂ ન કરી શકતા ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચૂંટણીની શરૂઆતથી જ સહકાર પેનલ દ્વારા મોટા પાયે શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉમેદવારી નોંધાવવાના પ્રથમ દિવસથી જ ઢોલ-નગારાં સાથે ઉમેદવારી અને તમામ 16 બેઠકો પર પેનલના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. બીજી તરફ વિરોધી પેનલ મર્યાદિત બેઠકો પર જ ઉમેદવારી નોંધાવી શકી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ તબક્કે પણ વિરોધી પેનલ મજબૂત પડકાર ઊભો કરવામાં નિષ્ફળ રહી હતી. પરિણામે 14 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા પંડવાઈ સુગરમાં ઈશ્વરસિંહ પટેલના રાજકીય અને સહકારી ક્ષેત્રના વર્ચસ્વની ચર્ચા ફરી તેજ બની છે.
આ પણ વાંચો : Junagadh : ગીરના જંગલમાં 3000 વર્ષ જૂનું રહસ્ય! જાણો તુલસીશ્યામની પૌરાણિક કહાની

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



