Bharuch : વાંટા મિશ્ર શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવાના આક્ષેપથી વિવાદ, વાલીઓની આંદોલનની ચીમકી


Bharuch
Bharuch : વાંટા મિશ્ર શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવાના આક્ષેપથી વિવાદ, વાલીઓની આંદોલનની ચીમકી


Bharuch
Bharuch : વાગરા તાલુકાની વાંટા મિશ્ર શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવી કચરો શાળાની બહાર રસ્તા પર ફેંકવા મોકલવામાં આવતા હોવાના આક્ષેપથી વિવાદ ઊભો થયો છે. વાલીઓએ બાળકોની સુરક્ષા અને શાળાની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતાં આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. રસ્તા પર કચરો નાખવા જતી વખતે કોઈ અકસ્માત કે અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી કોની રહેશે, તેવો સવાલ પણ વાલીઓએ કર્યો છે.
ગ્રામજનોએ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપી
વાલીઓના જણાવ્યા મુજબ, અગાઉ બાળકોને જમતી વખતે પાથરણા પર બેસાડવામાં આવતા હતા, પરંતુ વર્તમાન આચાર્યના સમયમાં આ વ્યવસ્થા પણ જળવાતી ન હોવાનો આક્ષેપ છે. બાળકોના શિક્ષણ, સુરક્ષા અને સુવિધાઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવે તેવી માગ સાથે વાલીઓ અને ગ્રામજનોએ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે.
શિક્ષણ વિભાગ તપાસ કરશે કે નહીં તે સવાલ?
બીજી તરફ, શાળાના આચાર્ય મેમૂદાબેને આક્ષેપોને ખોટા ગણાવતાં જણાવ્યું હતું કે હાલમાં સ્વચ્છતા પખવાડિયું અને નિપુણ ભારત કાર્યક્રમ ચાલી રહ્યા છે. બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે ભરાતા ‘પત્રક-બી’માં સ્વચ્છતાની પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે. તેમના જણાવ્યા મુજબ, ધોરણ 1થી 3ના બાળકો પાસે સફાઈ કરાવવામાં આવતી નથી, જ્યારે ધોરણ 4થી 8ના બાળકો પાસે શિક્ષણના ભાગરૂપે આ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે અપલોડ કરીને મોકલવાના હોય છે અને જરૂર પડે તો ફોટા કે વીડિયો મેળવી શકાય છે. જોકે, બાળકો પાસે સફાઈ કરાવવાની પદ્ધતિ, કચરો રસ્તા પર નાખવા મોકલવાના આક્ષેપો અને વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં, તે હવે મહત્ત્વનું બન્યું છે.
આ પણ વાંચો : Kheda : કઠલાલના કઠાણા ગામમાં કરંટ લાગતા બે લોકોના કરુણ મોત, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત





