Banaskantha Road Accident: દાંતા પાસે બ્રેક ફેલ થતાં પીકઅપ ડાલું પલટ્યું, એકનું મોત, 12થી વધુ મુસાફર ઘાયલ


Banaskantha Road Accident
Banaskantha Road Accident: દાંતા પાસે બ્રેક ફેલ થતાં પીકઅપ ડાલું પલટ્યું, એકનું મોત, 12થી વધુ મુસાફર ઘાયલ


Banaskantha Road Accident
Banaskantha Road Accident: બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બ્રેક ફેલ થતાં મુસાફરોથી ભરેલું પીકઅપ ડાલું અચાનક પલટી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
12થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી
મળતી માહિતી મુજબ, વડગામ તાલુકાના પસવાદળ ગામના કેટલાક લોકો અંતરશાવલી દરગાહે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને તમામ મુસાફરો પીકઅપ ડાલામાં સવાર થઈ પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન દાંતા નજીક પહોંચતાં અચાનક વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મુસાફરોથી ભરેલું પીકઅપ ડાલું રસ્તા પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 12થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતાં એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તોમાંથી વધુ ગંભીર હાલત ધરાવતા મુસાફરોને વધુ સારવાર માટે પાલનપુર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. વાહનની બ્રેક કયા કારણોસર ફેલ થઈ અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. દર્શન કરીને ખુશીથી પરત ફરી રહેલા મુસાફરો સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે પસવાદળ ગામમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: Navsari Highway Accident: નવસારી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સુરતના પરિવારનો ટેમ્પો પલટ્યો, 16 લોકો ઘાયલ




