Shamlaji Tulsi Vivah: શામળાજીમાં પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસી વિવાહ સંપન્ન, ભક્તોની ભારે ભીડ ઉમટી


શામળાજીમાં પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસી વિવાહ
Shamlaji Tulsi Vivah: શામળાજીમાં પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસી વિવાહ સંપન્ન, ભક્તોની ભારે ભીડ ઉમટી


શામળાજીમાં પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસી વિવાહ
Shamlaji Tulsi Vivah: અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રબોધિની એકાદશીના પવિત્ર અવસરે ભગવાન તુલસીજીના વિવાહનો મનોરથ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

યજમાન પરિવારે ભગવાનના લગ્નોત્સવનું યજમાનપદ સંભાળ્યું
તુલસી વિવાહના પવિત્ર પ્રસંગને લઈને શામળાજી મંદિરને ફૂલો અને રંગબેરંગી લાઈટોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિરનો આકર્ષક શણગાર ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બપોર બાદ ભગવાન લાલજીને સુંદર બગીમાં બિરાજમાન કરી વાજતે-ગાજતે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા દરમિયાન ભક્તો ભજન અને જયઘોષ સાથે જોડાયા હતા. ત્યારબાદ સાંજના સમયે મંદિર પરિસરમાં અંદાજે 20 બાય 20 ફૂટની વિશાળ લગ્નચોરીમાં ભગવાનનો લગ્નોત્સવ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો. બાયડથી આવેલા યજમાન પરિવારે ભગવાનના લગ્નોત્સવનું યજમાનપદ સંભાળ્યું હતું.
જાણીતા ગાયક હેમંત ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા
આ ધાર્મિક પ્રસંગે જાણીતા ગાયક હેમંત ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભક્તિગીતો અને લગ્નગીતો રજૂ કરી લગ્નોત્સવના માહોલને વધુ ભક્તિમય બનાવ્યો હતો. તેમના ગીતો પર ભક્તો ભાવવિભોર બની ગયા હતા. શામળાજી ખાતે યોજાયેલા આ તુલસી વિવાહ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાનના દર્શન, ભવ્ય શણગાર, વરઘોડો અને ભક્તિ સંગીતના સંગમથી સમગ્ર યાત્રાધામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ તુલસી વિવાહના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.




