Aravalli Attack News: ફાગવેલ દર્શને જઈ રહેલા પરિવારો પર ટોળાનો હુમલો, ઈકો ગાડીમાં તોડફોડ, 15 સામે ફરિયાદ


Aravalli Attack News
Aravalli Attack News: ફાગવેલ દર્શને જઈ રહેલા પરિવારો પર ટોળાનો હુમલો, ઈકો ગાડીમાં તોડફોડ, 15 સામે ફરિયાદ


Aravalli Attack News
Aravalli Attack News: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોલ્લી કંપા નજીક નવા વર્ષના દર્શન કરવા ફાગવેલ જઈ રહેલા પરિવારો પર હુમલાની ઘટના સામે આવી છે. રસ્તા પર ચાલી રહેલા ઝઘડામાં દરમિયાનગીરી કરવા કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ઈકો ગાડી પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત પથ્થરો અને કમરના પટ્ટા વડે હુમલો કરતાં બે યુવકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જોતજોતામાં મામલો હિંસક બની ગયો
મળતી માહિતી મુજબ, નવા વર્ષના પર્વ નિમિત્તે કેટલાક પરિવારો ફાગવેલ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન માલપુરના મોલ્લી કંપા નજીક રસ્તા પર કેટલાક લોકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ સમયે દર્શન કરવા જઈ રહેલા લોકોએ ઝઘડામાં દરમિયાનગીરી કરવા અને મામલો શાંત પાડવા જણાવ્યું હતું. જોકે, આ બાબતે ઉશ્કેરાયેલા લોકોએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી અને જોતજોતામાં મામલો હિંસક બની ગયો હતો.
હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી
આરોપ છે કે ટોળાએ ઈકો ગાડીને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં ગાડીના કાચ તૂટી ગયા હતા. ત્યારબાદ પથ્થરો અને કમરના પટ્ટા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે યુવકોને માથાના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. ફરિયાદમાં ગાડીમાં આશરે રૂપિયા 11,500નું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ સમગ્ર મામલે નરેશભાઈ ખાંટ અને ભાથીભાઈ ખાંટ સહિત કુલ 15 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવા વર્ષના પર્વે ધાર્મિક દર્શન માટે જઈ રહેલા પરિવારો પર થયેલા હુમલાની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




