Kutch News: રણોત્સવની રોનક વચ્ચે ભુજોડી ગામ પ્રવાસીઓથી ઉભરાયું, પરંપરાગત હસ્તકલાનું વધ્યું આકર્ષણ


Kutch News
Kutch News: રણોત્સવની રોનક વચ્ચે ભુજોડી ગામ પ્રવાસીઓથી ઉભરાયું, પરંપરાગત હસ્તકલાનું વધ્યું આકર્ષણ


Kutch News
Kutch News: દિવાળીના વેકેશન અને રણોત્સવની શરૂઆત સાથે કચ્છના ભુજ તાલુકામાં આવેલું ભુજોડી ગામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંપરાગત હસ્તકલા અને હાથવણાટ માટે દેશ-વિદેશમાં જાણીતા આ ગામમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. કચ્છની વર્ષો જૂની હસ્તકલાને જીવંત રાખતા વણકર અને રબારી સમાજના કારીગરોની કળા નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભુજોડીની મુલાકાત લઈ રહ્યા છે.
View post on Instagram
350 જેટલા પરિવારો હસ્તકલાના વ્યવસાય સાથે સંકળાયેલા
ભુજોડી ગામમાં અંદાજે 350 જેટલા પરિવારો હસ્તકલાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીંના કારીગરો પેઢી દર પેઢી પરંપરાગત હાથવણાટની કળાને આગળ વધારી રહ્યા છે. પોતાની આગવી કારીગરી અને કોઠાસૂઝથી તેઓ સાલ, કચ્છી ધાબળા, શેતરંજી, ટેબલ મેટ, આસન અને સાડી સહિતની વિવિધ હસ્તકલાની વસ્તુઓ તૈયાર કરે છે. આ વસ્તુઓની દેશ-વિદેશમાં સારી એવી માગ રહે છે. ખાસ કરીને રણોત્સવ દરમિયાન કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ ભુજોડી ગામની મુલાકાત લેવાનું ચૂકતા નથી. પ્રવાસીઓ અહીં માત્ર ખરીદી જ નહીં, પરંતુ પરંપરાગત વણાટકામની પ્રક્રિયા અને કારીગરોની કળા વિશે પણ જાણકારી મેળવી રહ્યા છે.
દિવાળીના વેકેશનને કારણે હાલમાં ગામમાં પ્રવાસીઓની અવરજવર વધી
કચ્છની સંસ્કૃતિ અને પરંપરાને નજીકથી જાણવાની તક મળતી હોવાથી આ ગામ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે. બીજી તરફ, ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ભુજોડીની મુલાકાત લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કચ્છની પરંપરાગત ડિઝાઈન, વણાટકામ અને હસ્તકલાની વિવિધ શૈલીઓનો અભ્યાસ કરી રહ્યા છે. દિવાળીના વેકેશનને કારણે હાલમાં ગામમાં પ્રવાસીઓની અવરજવર વધી છે. આમ, કચ્છનું નાનકડું ભુજોડી ગામ પોતાની પરંપરાગત હસ્તકલા થકી સ્થાનિક કારીગરોને રોજગારીની તક પૂરી પાડવાની સાથે કચ્છની સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ અપાવી રહ્યું છે.
આ પણ વાંચો: Swachh Survekshan 2025-26: અમદાવાદ અને સાણંદ દેશભરમાં પ્રથમ, સફાઈ કર્મચારીઓનું AMC દ્વારા કરાયું સન્માન




