Aravalli : LCBનું સાહસિક ઓપરેશન, 425 કિલો પોશડોડા સાથે બિશ્નોઈ ગેંગનો શખ્સ ઝડપાયો


Aravalli
Aravalli : LCBનું સાહસિક ઓપરેશન, 425 કિલો પોશડોડા સાથે બિશ્નોઈ ગેંગનો શખ્સ ઝડપાયો


Aravalli
Aravalli : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં LCBએ નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. માલપુરના મોરડુંગરી નજીક સન ગોલ્ડ હોટલ પાસે પોલીસે સ્કોર્પિયો કારમાંથી 425.800 કિલો પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.63.87 લાખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વાહન સહિત કુલ રૂ.85.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો પોલીસનો દાવો ધરાવતા એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસને જોઈ આરોપીઓએ નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ, સ્કોર્પિયો કારમાં પોશડોડાનો જથ્થો લઈ જતા શખ્સોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસને જોઈ આરોપીઓએ નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્કોર્પિયોએ પોલીસના વાહન અને એક ફોર્ચ્યુનર કારને ટક્કર મારી હતી. પોલીસના દાવા પ્રમાણે, આરોપીએ પોલીસ ટીમને નિશાન બનાવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આરોપીની ઓળખ રાજુરામ જંગુ ઉર્ફે બિશ્નોઈ તરીકે થઈ
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે LCBના PI એમ.એચ. ઝાલાએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં ઈજા થતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રાજુરામ જંગુ ઉર્ફે બિશ્નોઈ તરીકે થઈ છે, જે રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ ઉપરાંત બે મોબાઈલ ફોન, પાંચ અલગ-અલગ નંબર પ્લેટ અને સ્કોર્પિયો કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના પ્રાથમિક દાવા મુજબ, પોશડોડાનો જથ્થો મધ્યપ્રદેશના મંદસોરથી લાવી રાજસ્થાનના બાડમેર લઈ જવામાં આવી રહ્યો હતો. સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક અજાણ્યા શખ્સની પણ શોધખોળ ચાલી રહી છે. આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અને આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને નશીલા પદાર્થોના નેટવર્કની વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat: કીમમાં ફૂલ વેચતી મહિલાના ઘરમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, 11 તોલા સોનું અને રોકડ પરત




