Aravalli News: ભિલોડામાં સળગેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવ્યું, ગુમ થયેલા 45 વર્ષીય વ્યક્તિ હોવાની આશંકા

Aravalli News: હાથમતી નદીની સ્લીપ પાસે સળગેલી હાલતમાં મળી આવેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Kunjan Shukal
Kunjan Shukal
Aravalli NewsAravalli News

Aravalli News

Aravalli News: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાથમતી નદીની સ્લીપ પાસે સળગેલી હાલતમાં મળી આવેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કારની અંદર માનવ કંકાલ સંપૂર્ણપણે સળગી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું. આ કંકાલ ઝીંઝોડી ગામના 45 વર્ષીય અશ્વિનભાઈ તબિયાડનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કારની સ્થિતિ શંકાસ્પદ જણાતાં તપાસ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, પાદરા ગામ નજીક હાથમતી નદીની સ્લીપ પાસે સ્થાનિક લોકોને એક અર્ટિગા કાર સળગેલી હાલતમાં જોવા મળી હતી. કારની સ્થિતિ શંકાસ્પદ જણાતાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કારની અંદરથી સંપૂર્ણપણે બળેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ, ઝીંઝોડી ગામના 45 વર્ષીય અશ્વિનભાઈ તબિયાડ 8 નવેમ્બરની રાત્રે નોકરી પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા. જોકે, ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. હવે સળગેલી કારમાંથી મળી આવેલા માનવ કંકાલને લઈને તેઓ જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, કંકાલની ઓળખ સત્તાવાર રીતે હજુ સ્પષ્ટ થઈ નથી.

રહસ્યમય ઘટનાને પગલે જિલ્લામાં ભારે ચર્ચા જાગી

ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. કારમાં આગ કેવી રીતે લાગી, વ્યક્તિનું મોત કયા સંજોગોમાં થયું અને આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. માનવ કંકાલની ઓળખ માટે જરૂરી તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ રહસ્યમય ઘટનાને પગલે અરવલ્લી જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: Vadodara News: સાવલીમાં સ્ટરલાઈટ કંપનીમાં ગમખ્વાર અકસ્માત, 12 મીટર ઊંચેથી પટકાતા 49 વર્ષીય કર્મચારીનું મોત