Vadodara News: સાવલીમાં સ્ટરલાઈટ કંપનીમાં ગમખ્વાર અકસ્માત, 12 મીટર ઊંચેથી પટકાતા 49 વર્ષીય કર્મચારીનું મોત

Vadodara News: કંપનીમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન 12 મીટર ઊંચા સેડ પરથી નીચે પટકાતાં 49 વર્ષીય કર્મચારીનું મોત નીપજ્યું છે.
Kunjan Shukal
Kunjan Shukal
Vadodara NewsVadodara News

Vadodara News

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે આવેલી સ્ટરલાઈટ કંપનીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કંપનીમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન 12 મીટર ઊંચા સેડ પરથી નીચે પટકાતાં 49 વર્ષીય કર્મચારીનું મોત નીપજ્યું છે. સેફ્ટી બેલ્ટનો હૂક છૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. આ ઘટનાને પગલે કંપનીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સેફ્ટી બેલ્ટનો હૂક છૂટી ગયો

મળતી માહિતી મુજબ, ગોઠડા ગામે આવેલી સ્ટરલાઈટ કંપનીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના પુણેના રહેવાસી 49 વર્ષીય કર્મચારી મેથ્યુ ચારીવિલ કોશી 12 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા સેડ પર કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન અચાનક તેમના સેફ્ટી બેલ્ટનો હૂક છૂટી જતાં તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કર્મચારીને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વડોદરાની SSG હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા

અકસ્મતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મેથ્યુ ચારીવિલ કોશીને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વેલ્ડિંગની કામગીરી દરમિયાન સેફ્ટી બેલ્ટનો હૂક કયા કારણોસર છૂટી ગયો અને અકસ્માતમાં સુરક્ષાની વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

કંપનીમાં કામદારોની સુરક્ષા માટે જરૂરી સેફ્ટી વ્યવસ્થાઓનું પાલન કરવામાં આવતું હતું કે નહીં તે અંગે પણ તપાસ થવી જરૂરી બની છે. એક કર્મચારીના મોતની આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા અને સલામતીના નિયમોના પાલન સામે ફરી સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Amreli News: કુંકાવાવમાં પૈસાની લેતીદેતી મામલે બે જૂથો વચ્ચે ધિંગાણું, મહિલાઓ પર પણ હુમલો