Ankleshwar : GIDCમાં 6 લાખ લીટર ડાઈલ્યૂટ ઈન્ફ્લ્યુઅન્ટ પાણીની ટાંકી ધડાકાભેર તૂટી, 4 લોકોને થઈ ઈજા


Ankleshwar
Ankleshwar : GIDCમાં 6 લાખ લીટર ડાઈલ્યૂટ ઈન્ફ્લ્યુઅન્ટ પાણીની ટાંકી ધડાકાભેર તૂટી, 4 લોકોને થઈ ઈજા


Ankleshwar
Ankleshwar : અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલી એન્વાયરો ટેકનોલોજી લિમિટેડ (ETL) કંપનીમાં મંગળવારે સવારે 6.45 વાગ્યે 6 લાખ લીટરની ક્ષમતા ધરાવતી વિશાળ એરેશન ટેન્કની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકીમાંથી પ્રેશર સાથે હજારો લીટર ન્યુટ્રલાઈઝ એફ્લુઅન્ટ પાણી બહાર ધસી આવતાં આસપાસના વિસ્તારો અને રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થતાં 3 રાહદારી અને 1 ચાની કીટલી ધારક મહિલા સહિત 4 લોકોને ઈજા પહોંચતાં ઓરેન્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કંપનીઓની કમ્પાઉન્ડ વોલ તોડીને પાણી અંદર ઘૂસી ગયું
પ્રાથમિક આશંકા મુજબ, ટાંકીમાં પાણીનું પ્રેશર અચાનક વધી જવાના કારણે તેની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ટાંકી વર્ષ 2022માં બનાવવામાં આવી હતી. કંપનીમાંથી પ્રેશર સાથે પાણી બહાર નીકળતાં જ નજીકમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત પ્લોટ નંબર 3817માં આવેલી આસપાસની કંપનીઓની કમ્પાઉન્ડ વોલ તોડીને પાણી અંદર ઘૂસી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને એક મહિલા ચા-નાસ્તાની કીટલી ચલાવતાં હતાં તેઓ પાણીના પ્રવાહમાં પટકાયા હતા.
શું કહ્યું જીપીસીબીના અધિકારીએ?
સ્થળ તપાસ કરી જરૂરી રિપોર્ટ તૈયાર કરાયો છે અને જીપીસીબી ને વધુ તપાસની સૂચના અપાઈ છે." ઈ ટી.એલ કંપની અંકલેશ્વર જીઆઇડીસી ના વિવિધ ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને એકત્ર કરી, ટ્રીટમેન્ટ કર્યા બાદ નર્મદા ક્લીન ટેક ખાતે મોકલે છે. તૂટી પડેલી ટાંકીમાં રહેલું પાણી ન્યુટ્રલાઇઝ (સામાન્ય) કરેલું હોવાથી મોટા રાસાયણિક જોખમમાંથી રાહત મળી છે. જીપીસીબી પ્રાદેશિક અધિકારી ડૉ. સુરેશ અગ્રાવતે જણાવ્યું હતું કે "સ્થળ તપાસ કરી પંચનામું કરવામાં આવ્યું છે અને પ્રાથમિક સ્થળ નોટિસ પાઠવવામાં આવી છે. સ્થળ પરથી પાણીના સેમ્પલ લેવાયાં છે. વર્તમાન જળ સંરક્ષણ અને પર્યાવરણીય નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."
આ પણ વાંચો : GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં મોટો ફેરફાર, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા





